શતાયુવીર લેખક, પત્રકાર ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું રાજકોટમાં કરાયું સમ્માન

રાજકોટ – ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત, કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીએ એમના આયુષ્યની સદી પૂરી કરી એ નિમિત્તે 16 જૂન, રવિવારે રાજકોટમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે એમનું સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.

‘નગીનદાસ શતાયુ સમ્માન સમારોહ’માં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય રાજ્યપ્રધાન પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. ‘નવગુજરાત સમય’ દૈનિકના તંત્રી અજય ઉમટે વિશેષ વક્તવ્ય આપ્યું હતું.

‘ચિત્રલેખા’ સાથે નગીનદાસ સંઘવીનો બે દાયકાથી વધારે જૂનો સંબંધ રહ્યો છે. ‘ભારતનું મહાભારત’ કટાર દ્વારા રાજકીય બનાવ, મહત્ત્વની ઘટનાનું એ પારદર્શક, ઊંડું અને તટસ્થ પૃથક્કરણ તેઓ દર સપ્તાહે કરે છે. સપ્ટેંબર, ૨૦૧૬માં ‘ચિત્રલેખા’એ નગીનદાસ સંઘવીને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ રાજકોટમાં જ અર્પણ કર્યો હતો.

શતાયુ સમ્માન કાર્યક્રમમાં શતાયુ સમ્માન સમિતિના સદસ્ય ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક અને ‘જન્મભૂમિ’ અખબાર જૂથના સીઈઓ કુંદન વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંયોજન ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતાએ કર્યું હતું.

આ પ્રસંગે નગીનદાસ સંઘવીના સમગ્ર લેખનમાંથી ચૂંટેલી સામગ્રીના બે ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

નગીનદાસ સંઘવીના સમ્માન સમારંભને રાજકોટના સાહિત્યરસિકો, શ્રોતાઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો અને હેમુ ગઢવી ઓડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ઘણા લોકોએ પગથિયાં પર બેસીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ અને ભરત ઘેલાણી)

સંકલન અને સંયોજનકર્તાઃ ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતા (ડાબે), ‘ચિત્રલેખા’ તંત્રી ભરત ઘેલાણી