નીતિ આયોગ બેઠકઃ સીએમ રુપાણી સહિત 7 મુખ્યપ્રધાનોની સમિતિની રચના, થશે આ કામ

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કૃષિ ક્ષેત્રે મનરેગા-મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ-ના વિનિયોગની ભલામણો માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ૭ રાજ્યોના મુખ્યપ્રધાનોની એક સમિતિની રચના કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં રૂપાણી ઉપરાંત મમતા બેનરજી, યોગી આદિત્યનાથ, નિતીશ કુમાર અને એન. ચંદ્રાબાબુ નાયડુ તથા પવન ચામલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ કૃષિ ક્ષેત્રે વાવણી પહેલાં અને લણણી પછીના ગાળામાં મનરેગાના માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધિઓ થકી ખેડૂતોની આવક વૃદ્ધિની શક્યતાઓ તપાસીને તેના અમલ અંગે ભલામણ કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં  સુજલામ સુફલામ જળ સંચય કાર્યક્રમમાં મનરેગાનો ખૂબ જ ઈનોવેટિવ વિનિયોગ કરીને તળાવો ઊંડા કરવાના કામો તેમજ નદીઓ પુનર્જીવિત કરવાના અને નહેરોની સફાઈના કામો હાથ ધરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમને કારણે રાજ્યમાં 32 નદીઓ પુનર્જીવિત થઇ છે, 13000થી વધુ તળાવો ઊંડા થયા છે અને 5000 કિ.મી.થી વધુ નહેરોની સફાઈ સાથે 12 હજાર લાખ ઘનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા વધી છે.