વડા પ્રધાન મોદી આજે ગુજરાતમાંઃ સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણનો શિલાન્યાસ કરશે

સુરત – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. વડા પ્રધાન મોદી આજે નવસારી જિલ્લાના દાંડી નગરમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે.

આ જ દાંડી ખાતેથી ગાંધીબાપુએ બ્રિટિશ હકૂમતને પડકાર ફેંક્યો હતો અને 1930માં દાંડીથી ઐતિહાસિક મીઠાનો સત્યાગ્રહ આંદોલનનો આરંભ કર્યો હતો.

વડા પ્રધાન મોદી આજે જેનું લોકાર્પણ કરવાના છે તે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકમાં ગાંધી બાપુ તથા એમની સાથે મીઠાનાં સત્યાગ્રહમાં સામેલ થયેલા 80 સત્યાગ્રહીઓની મૂર્તિઓ રાખવામાં આવી છે. સ્મારકમાં તે ઐતિહાસિક સત્યાગ્રહ આંદોલનની જુદી જુદી ઘટનાઓને ચિત્રિત કરતા 24 ભીંતચિત્રો પણ છે. વડા પ્રધાન મોદી આ સ્મારકનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ એક જાહેર સભાને સંબોધિત કરશે.

વડા પ્રધાન મોદી સુરત એરપોર્ટના ટર્મિનલ ભવનનું વિસ્તરણ કરવા માટેની યોજનાનો શિલાન્યાસ કરશે. આ ટર્મિનલ બંધાઈ જવાથી એર કનેક્ટિવિટી સુધરશે અને સુરત તથા આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ વધશે.

વડા પ્રધાન મોદી સુરતમાં જ ન્યૂ ઈંડિયા યૂથ કોન્ક્લેવનું ઉદઘાટન કરશે અને યુવા વ્યક્તિઓ સાથે સંવાદ કરશે. સાથોસાથ, શ્રીમતી રસીલાબેન સેવંતલાલ શાહ વીનસ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને હોસ્પિટલમાંની સુવિધાઓનું નિરીક્ષણ કરશે.