અમદાવાદીઓ આનંદો; ગુજરાતમાં દોડી વિકાસ ટ્રેન: પીએમ મોદીએ પ્રથમ મેટ્રો ટ્રેનનું કર્યું લોકાર્પણ

અમદાવાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં વસ્ત્રાલ ગામ સ્ટેશન ખાતેથી ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની આ સેવા છે.

પ્રથમ તબક્કાની આ મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સ્ટેશન વચ્ચે દોડશે.

જનતા માટે આ સેવા 6 માર્ચથી ખુલ્લી મૂકાશે. શરૂઆતમાં 8થી 10 દિવસ સુધી મુસાફરી મફતમાં રાખવામાં આવી છે. ટ્રેનનાં ભાડા વિશે જાહેરાત પણ હજી બાકી છે.

ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ વડા પ્રધાન મોદી તેમજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અન્ય મહાનુભાવોએ ટ્રેનમાં બેસીને સફર કરી હતી.

આ ટ્રેન સેવા વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની છે અને 6.5 કિલોમીટરના અંતરની છે.

અમદાવાદ મેટ્રો યોજનાનાં આ પ્રથમ તબક્કામાં કુલ 39.25 કિલોમીટરનો રૂટ છે.

આ રૂટ પર કુલ 32 સ્ટેશન હશે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન હશે જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશનો હશે.

બંને કોરિડોરની વિગત આ મુજબ છેઃ પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં 20.73 કિ.મી. છે જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોર 18.25 કિલોમીટરનો છે. આમાં સાત કિલોમીટર ભૂગર્ભ હશે.

ભૂગર્ભ મેટ્રોમાં ચાર સ્ટેશન હશે.

પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે, જેમ કે, સ્માર્ટ કાર્ડ, ઈ-પેમેન્ટ, જન-મિત્ર કાર્ડથી મુસાફરી, સાપ્તાહિક અને માસિક પાસ.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)