PM મોદીને વિદેશમાં પણ ગુજરાતની ચિંતા, CM રૂપાણી સાથે ફોન પર વાત કરી

નવી દિલ્હી- SCO સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં આવી રહેલા સંભવિત “વાયુ” વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી. વાયુ વાવાઝોડું આજે બપોરે 155-165 પ્તિ કલાકની ઝડપે ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ત્રાટકનાર હતું, જે હવે ગુજરાત સાથે ટકરાશે નહીં પરંતુ ભારેથી અતિભારે વરસાદ અને તેના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે હજુ પણ એલર્ટ વ્યાપ્ત છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા આ સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજ્જતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી માહિતગાર કર્યા હતાં અને વડાપ્રધાનને સંભવિત આપત્તિની આ ઘડીમાં  ગુજરાતની પડખે  છે તેવી ખાતરી સાથે ગુજરાતના પ્રજાજનો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાયની ખાતરી પણ આપી હતી.