ઇઝરાયેલ ભારત સાથે ઘણાં બધાં ક્ષેત્રમાં સહકારમાં વધારો કરશેઃ નેતન્યાહુ

અમદાવાદ– આજે ગુજરાતની મુલાકાતે આવેલાં ઇઝરાએલ પીએમ નેતન્યાહૂ અને પીએમ મોદી અમદાવાદ જિલ્લાના દેવધોલેરા સ્થિત આઈક્રિએટ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરની કામગીરી વિશે અને બંને નેતાઓના સંબોધન વિશે જાણીએ.અમદાવાદ-બાવળા રોડ પરના દેવધોલેરા ગામમાં આ સેન્ટર ઇઝરાયેલની સહાયતાથી બાંધવામાં આવ્યું છે. આ સેન્ટરની કામગીરી માટે ઇઝરાયેલ ચાવીરુપ ભૂમિકામાં હોવાથી તેના ઉદઘાટન માટે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ અને તેમના પત્ની સારા નેતન્યાહૂ આવ્યાં છે.

iCreat સેન્ટર એક સ્વતંત્રપણે કામ કરતું સેન્ટર ઓફ એક્સલન્સ છે. 2011માં મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે ઐપચારિકપણે આઈક્રિએટ શરુ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ઉદ્યોગસાહસિકો-એન્તોરપ્રિન્યોર્સને મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે અને સ્ટાર્ટ અપ શરુ કરવામાં તેનું સારું એવું યોગદાન છે. સેન્ટર દ્વારા ક્રિએટિવિટી, ઇનોવેશન, પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી સાથેના ફૂડ સિક્યોરિટી, જળ વિતરણ, સાઇબર સીક્યૂરિટી, આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ, બિનપરંપરાગત ઊર્જા, બાયોમેડિકલ સંસાધનો વગેરે ક્ષેત્રમાં મદદ કરે છે.

ભારતમાં આઈક્રિએટ દ્વારા દુનિયાભરના પ્રતિભાવંતોને આકર્ષી એવી સીસ્ટમ બનાવવામાં આવશે જેનાથી મોટી સંખ્યામાં કૌશલ્યયુક્ત માનવબળ સર્જાય. આઈક્રિએટના પોતાના કહેવા પ્રમાણે મની, મેન્ટર અને માર્કેટ માટે વનસ્ટોપ શોપ બનશે જે ઉદ્યોગસાહસિકોની દરેક સમસ્યાનું નિરાકરણ લાવશે.

આ સેન્ટરના ઉદઘાટન સાથે બંને નેતાઓ ત્યાં ઉપસ્થિતોનો સંબોધન કરવાના છે. 40 એકરમાં વ્યાપેલાં આ કેન્દ્રને લોકાર્પિત કરાયું તે નિમિત્તે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી, કુમારમંગલમ બિરલા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં છે.ઈઝરાયલના પીએમ નેતન્યાહુનું સંબોધન

  • નેતન્યાહૂએ સંબોધન કરતાં જણાવ્યું કે તમારા ભવ્ય સ્વાગત માટે આભાર માનું છું.
  • લોકો આઈપેડ અને આઇપોડ્સ વિશે જાણે છે, હવે વધુ એક આઈ શબ્દને જાણવાની જરુર છે. એ છે આઇક્રિએટ પીએમ મોદી અને હું બંને યુવાન અને આશાવાદી છીએ. ભવિષ્યને લગતાં અમારા વિચારો યુવાન અને આશાવાદી છે.હાઇફાના યુદ્ધમાં જે ભારતીયો હતાં તેમાં ગુજરાતીઓ પણ હતાં. થેન્કયૂ ગુજરાત.
  • ટેકનોલોજી અને યુવાનો દેશનું ભવિષ્ય છે.
  • ઇઝરાયેલ ભારત સાથે ઘણાં બધાં ક્ષેત્રમાં સહકાર કરી રહ્યું છે અને હજુ વધારશે.
  • કચ્છમાં ભૂકંપ સમયે ઇઝરાયેલે હોસ્પિટલ શરુ કરી હતી. તેમના નાનકડાં પ્રવચન દરમિયાન તેમણે પીએમ મોદી અને ગુજરાતનો વારંવાર આભાર માન્યો હતો.
  • જય હિન્દ… જય ભારત… જય ઈઝરાયલ… સંબોધનનો અંત

પીએમ મોદીનું સંબોધન

મને ખુશી કે ઇઝરાયેલના પીએમની હાજરીમાં નવયુવાનોને સમર્પિત સંસ્થાનનું લોકાર્પણ થયું છે. હું તેમનો આભારી છું કે તેઓ પરિવાર સાથે ગુજરાત આવ્યાં. અમે સાબરમતી આશ્રમ ગયાં, ત્યાં બાપુને શ્રદ્ધાંજલિ આપી, પતંગ ચગાવવાનો પણ મોકો મળ્યો.

ગયા વરસે ત્યાં ગયો હતો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આઈક્રિએટનો નાતો વધુ ગાઢો બનાવવો જોઇએ. ત્યારથી હું તેમાં લાગી ગયો હતો જેને લઇને આજે પીએમ નેતન્યાહૂએ આ સંસ્થાનનું લોકાર્પણ કર્યું છે.

આજે આ પ્રસંગે સ્વર્ગસ્થ પ્રોફેસર એન. વી. વસાણીને યાદ કરું છું આ સંસ્થાને સાકાર કરવાની જવાબદારી સૌપ્રથમ તેમની પાસે આવી હતી. હવે તે આપણી વચ્ચે નથી પણ શરુઆતના પ્રયાસોમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેવું નથી.

ખેડૂતો નાનકડો છોડ વાવે છે તો આગામી પેઢીઓ તેનો લાભ મેળવે છે. આજે આઈક્રિએટના લોકાર્પણથી એ જ ખુશીનો અહેસાસ થાય છે કે જે બીજ વાવ્યું હતું તે હવે વટવૃક્ષ બની ગયું છે.

બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાત ફાર્મા સેક્ટરનું હબ કેવી રીતે બન્યું. વરસો પહેલાં, 50 વરસ પહેલાં કેટલાક ઉદ્યોગપતિની સહાયતાથી ફાર્મસી કોલેજ શરુ થઇ હતી જેણે મજબૂત ઇકો સીસ્ટમ ઊભી કરી હતી. અહીંથી નીકળનારા વિદ્યાર્થીઓ પાસે પણ સંશોધનના ક્ષેત્રમાં નામ રોશન કરશે તેવી આશા છે. વરસો પહેલાં આઇક્રિએટ લોન્ચ કર્યું ત્યારે જ કહ્યું હતું કે ઇઝરાયેલને આ સેન્ટર સાથે જોડવા માગું છું તેમની ટેકનોલોજીનો લાભ મળે તેવું ઇચ્છયું હતું તે સાકાર થયું. ભારતને જરુર છે તેવા ક્ષેત્રો માટે તેમનો સહકાર મળતાં ભારતને ઘણો લાભ મળશે.

મને એકવાર શિમોન પેરેઝને મળવાનો મોકો મળ્યો હતો તેમણે કહ્યું હતું કે સંશોધનને કોઇ અવરોધ નડતો નથી. તેમની એ વાત આજે સો ટકા સત્ય સાબિત થઇ છે. ભારત ઇઝરાયેલના લોકોને નજીક લાવવામાં ઇનોવેશનની મોટી ભૂમિકા છે. શિમોન પેરેઝની વધુ એકવાર દોહરાવું છું તેમણે કહ્યું હતું કે જેટલા મોટા સપનાં હશે તેટલા મોટા પરિણામ હશે. વિવિધ ક્ષેત્રમાં ઇઝરાયેલને મળેલાં નોબેલ પુરસ્કાર તેમની સફળતાની નિશાનીઓ છે. નવા જ્ઞાનના સપનાં જ વધુ ઊંચાઇ પર લઇ જાય છે. આ સપનાંઓને કદી પણ મરવા નથી દેવાં કે થંભવા દેવાં નથી. સંકોચ ઇનોવેશનનો દુશ્મન છે. નાના બાળકોને કહો કે જલદી સૂવાનું છે તો તરત કહેશે કે કેમ..બાળકોની સંખ્યા અને તેમને મળતાં ફળની વાર્તા સંભળાવી પીએમે ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનને યાદ કરી કહ્યું કે સંશોધન અને પ્રશ્ન ઉકેલવામાં સપોર્ટ મળવો જોઇએ. યુવાનોને થોડો થોડો સપોર્ટ હશે તો પણ તેના મોટા મોટા પરિણામ મળશે. ઇનોવેશનની તાકાતથી બનશે આપણું નવું ભારત.

દરેક જવાનના મનમાં નવા ઇનોવેશનની ઇચ્છા હોય છે, એ વિચારોનું ગુમ થઇ જવું, ધરાતલ પર ન ઉતરવું સરકારની અને વ્યવસ્થાની કમી છે. નવયુવાનોના વિચાર એમ જ ખતમ ન થઇ જાય તે જોવા માગું છું. પૂરી દુનિયાને પોતાની શક્તિનો પરિચય કરાવી શકે તે સરકાર અને સમાજની જવાબદારી છે તેવા ઉદેશ સાથે આઈક્રિએટનો જન્મ થયો છે. આઈક્રિએટના ઇનોવેટિવ પ્રોડક્ટને જોઇને મને ખૂબ પ્રસન્નતા થઇ છે. તેના સહકારથી બનેલાં નવા ઇનોવેશન આ સંસ્થાની મદદથી સાકાર થયાં છે. સાહસ હોય તો જ નિર્ણય કરી શકાય છે તે સાથે નવયુવાનો સહમત થાય છેને… કન્વેન્શન અને ઇનોવેશન વચ્ચે હંમેશા ખેંચતાણ રહે છે. નવું સંશોધન થાય છે ત્યારે કેટલાક તેની મજાક ઉડાવે છે.માલિવકાગ્નિમિત્રમાં કાલિદાસે કહ્યું છે કે જૂનું હોય તે સારું હોય જ એવું જરુરી નથી અને કોઇ નવી ચીજ છે તો ખરાબ જ હશે તેમ માનવું નહીં. બીજાના આધાર પર મન બનાવનારા મૂર્ખ હોય છે.

આપણાં વૈજ્ઞાનિકોની સક્ષમતા છે કે હોલિવૂડમાં સાયન્સ ફિક્સન બને છે તેનાથી ઓછી કીમતમાં મંગલયાન બનાવીને મોકલી આપ્યું છે. સેટેલાઇટ લોન્ચિંગમાં સો ઉપગ્રહ મોકલવાની સફળતા એમ જ નથી મળી. તેની માટેની ઊર્જા ભારતીય યુવાનોમાં ઠાંસીને ભરેલી છે તે મે જોઇ છે.

આઈક્રિએટનું નામ નક્કી કરાતું હતું ત્યારે આઇને નાનો રાખવાનું કારણ એ છે કે આઈ-અહમનું મોટું હોવું સર્જનાત્મકતાને નુકસાન કરે છે. એટલે પહેલાંથી જ આ સંસ્થાને અહમથી મુક્ત રાખવામાં આવી છે. નાનકડા આઇથી ભલે શરુ થાય પણ સપનું મોટું રાખ્યું છે. આઈથી ઇન્ડિયા સુધી પહોંચવાનો અમારે જમ્પ લગાવવો હતો. આપણાં યુવાનો દેશની સમસ્યાઓને મુક્તિ માટે ઇનોવેશન કરે તે આજની આવશ્યકતા છે. જળ, સ્વચ્છતા, ખોરાક, આરોગ્ય વગેરેની સમસ્યાઓના સમાધાન માટે ઇનોવેશન થવું જોઇએ. વેસ્ટ ટુ વેલ્થ આ એક ક્ષેત્રમાં પણ મોટા સંશોધનોની મોટી જગ્યા છે. ટેકનોલોજી અને ઇનોવેશનમાં આઈક્રિએટ જેવી સંસ્થાઓની દેશને મોટી જરુરત છે. આ માટે કેન્દ્ર સરકાર અનેક યોજના લાવી છે. અટલમિશન હેઠળ 2400 લેબ મંજૂર કરી છે. ઇનોવેટિવ આઈડિયા પૂરા કરવા દેશમાં એક પ્લેટફોર્મ તૈયાર કરવાની કોશિશ છે. 40 મિલિયન ડોલરનું ઇઝરાયેલ સાથેનું સંયુક્ત સાહસ બનાવ્યું છે જેમાં ખાદ્યાન્ન, હેલ્થ, ઊર્જાના ક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે. બંને દેશો વચ્ચે તેનું આદાનપ્રદાન થતું રહેશે. આજે કેટલાક સ્ટાર્ટઅપ એવોર્ડઝ પણ આપવામાં આવ્યાં છે. આવનારા સમયમાં બંને દેશો વચ્ચે આ સેન્ટર મોટી કડી તરીકે ઊભરશે.

ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે 1300 દ્વીપ છે 25 લાખ ચો.મી.ની સેઝ છે તેની તાકાતનુ નિર્માણ વધુ વેગવંત બને તે માટે મોટી આવશ્યતા છે. ઇઝરાયેલના પીએમનો આભાર માનું છું કે મારી યાત્રા વખતે તેમણે મને પાણી મીઠું કરવાની સીસ્ટમ આપી હતી. આ સીસ્ટમથી બનાસકાંઠામાં બીએસએફ જવાનોને મીઠું પાણી મળે છે. 28માંથી 25 સેન્ટર ઓફ એક્સલન્સ ઇઝરાયેલ સાથેના સહયોગમાં તૈયાર થઇ ગયાં છે. તેમાંથી 3 ગુજરાતમાં સ્થાપિત થયાં છે. અહીંથી  હવે અમે પ્રાંતીજના વદરાડમાં બનેલાં સેન્ટરની મુલાકાત લઇશું અને ત્યાંથી કચ્છમાં ખજૂર પર રીસર્ચ કરતાં સેન્ટર પર વિડીયો કોન્ફરસિંગથી વાત કરવાના છીએ. બંને દેશ વચ્ચે સહકારની ભાવના ખૂબ મહત્ત્વની છે જે માનવતાના ઇતિહાસમાં નવે અધ્યાય લખશે. એકબીજાની સંસ્કૃતિઓનું સન્માન આપણાં સંબંધોને મજબૂત કરતું રહેશે. ઓછી સંખ્યામાં છે પણ ઇઝરાયેલના જ્યૂઇસ સમુદાયના લોકો અમદાવાદ અને કેટલાક વિસ્તારોમાં શાંતિથી જીવન ગુજારી રહ્યાં છે. આ સંબંધો વધુ ગાઢ બને તેવી આશા સાથે મારી વાત સમાપ્ત કરું છું અને આઈક્રિએટ માટે કામ કરનાર, નારાયણ મૂર્તિ, દિલીપ સંઘવીએ તે માટે આપેલાં પ્રદાનને યાદ કરું છું. અને ઇઝરાયેલ પીએમ-તેમનાં પત્નીનું અભિવાદન કરું છું. તેમણે આપેલી ભેટ ભારતના લોકોને સ્પર્શે તેવી છે. ફરીથી ખૂબખૂબ શુભકામનાઓ પાઠવું છું.