PM મોદીએ અન્નપૂર્ણા મંદિરથી દીકરીના પિતા એવા પાટીદારોને કરી ખાસ અપીલ…

ગાંધીનગર-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક અડાલજ પાસે લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાના નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આસ્થા અને આધ્યાત્મનો સમાજજીવનમાં કઇ રીતે ઉપયોગ કરી શકાય તેનો વિચાર કરવો જોઇએ. વર્ષોથી ભારતમાં ધર્મશાળાઓ, ગૌશાળાઓ, અડાલજની વાવ જેવા જળમંદિરોના નિર્માણ સામાજિક શક્તિથી થયા છે. ધીમે ધીમે રાજકીય શક્તિ એટલી બળવાન થઇ ગઇ કે, સમાજની શક્તિઓ દબાઇ ગઇ. જો સમાજ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે, અમે સમાજની મૂળભૂત શક્તિને બળ આપવાનો પ્રયાસ કર્યો છે. શક્તિ તો સમાજની જ હોવી જોઇએ.

વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બોલતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજ અન્નપૂર્ણા ધામમાં જે કોઇ દર્શને આવે એમને પ્રસાદમાં એક છોડ આપે. ભાવિક-ભક્તો અન્નપૂર્ણા મા ના આ પ્રાસાદને જીવનભેર ઉછેરે. છોડ ઉછેરવાથી જીવનભર પૂણ્ય પ્રાપ્ત થતું રહેશે. અન્નપૂર્ણા માતાજીના આ પ્રસાદથી પર્યાવરણની રક્ષા થશે. પ્રસાદથી પૂણ્ય પ્રાપ્ત થશે, સેવાની સેવા થશે અને જીવનને એક નવી ઉંચાઇ મળશે. તેમણે અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પદ્ધતિ બદલવા આહવાન કર્યું હતું. આ પદ્ધતિથી સમાજને નવી દિશા મળશે.

વધુમાં કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તે પરિવારે પોતાની દીકરીને અચૂક અન્નપૂર્ણા મા ને પગે લગાડવા આવવું જોઇએ. સમાજના આગેવાનો આવેલી દિકરીના નામે ઇમારતી લાકડું મળે એવી જાતના પાંચ છોડ રોપે. રાજ્ય સરકાર આવા વૃક્ષારોપણ માટે જગ્યા ફાળવે. ૨૦ વર્ષ પછી આ પાંચ છોડમાંથી ઇમારતી લાકડું પ્રાપ્ત થાય. સમાજ આ ઇમારતી લાકડું વેચીને તેમાંથી પ્રાપ્ત રકમ જે તે દીકરીના લગ્ન માટે ખર્ચ કરે. આ રીતે દીકરીના લગ્નનો ખર્ચ પણ નીકળી જશે અને સરકારી પડતર જમીન લીલીછમ થઇ જશે એટલું જ નહીં ઇમારતી લાકડું આપણે આયાત પણ નહીં કરવું પડે.

વડાપ્રધાને અન્નપૂર્ણાધામના ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો કે ખેડૂતોને ખેતપેદાશોનું વધુ મૂલ્ય મળે અને ખેત પદ્ધતિમાં સુધારો થાય એ રીતે ફૂડ પ્રોસેસીંગ પ્રોજેકટનો પ્રારંભ કરવો જોઇએ. શેરથાના મરચાંનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવશે તો ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.

વડાપ્રધાને અહીં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવા છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી સાથેના સંકુલનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને વર્ષ-૨૦૨૦ના જૂન મહિનામાં  નરેન્દ્રભાઇ મોદી જ વડાપ્રધાન તરીકે આ સંકુલનું ઉદઘાટન કરે એવી અભિલાષા વ્યક્ત કરતાં વડાપ્રધાન સામે જવાબમાં કહ્યું કે, તમને વિશ્વાસ છે તો મને પણ સવાયો વિશ્વાસ છે, અને ઘેર બોલાવો તો કોણ ના પાડે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હિન્દુસ્તાનની હજારો વર્ષોથી પરંપરા રહી છે કે, જે પણ દિશામાં જાઓ ૨૫-૩૦ કિલોમીટરે રોટલો અને ઓટલો મળી જ રહે. નર્મદાની પરિક્રમા કરતા અજાણ્યા લોકોને પણ કિનારાઓના ગામોમાં ભૂખ્યાં નથી રહેવું પડતું. આ આપણા સમાજનો મૂળભાવ છે. અન્નપૂર્ણા ધામ પણ આવનારી પેઢી માટે શિક્ષણ અને સંસ્કારોનું ધામ બની રહેશે એવી અભ્યર્થના વ્યક્ત કરીને તેમણે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેની કપાતમાં ગઇ હોય તેવી ૧૦ ટકા જમીન રાખીને બાકીની જમીન પરત કરવાનો નિર્ણય કર્યો છે. એ જનહિત માટે ખૂબ જ અસરકારક પુરવાર થશે. અમીને સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજ દ્વારા રૂ.૧૫ કરોડની જમીન અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટને દાનમાં આપવા બદલ સમાજ વતી અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.