વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી K-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને સમર્પિત કરી

સૂરત:  મેઈક ઈન ઈન્ડીયા મારફત ભારતીય સૈન્ય માટે આધુનિક શસ્ત્ર બનાવવાના આયોજનનો પ્રારંભ થઈ ગયો છે. હજીરા ખાતેના એલએન્ડટી સંકુલમાં નિર્મિત પ્રથમ ટેન્ક પર વડાપ્રધાને સવારી કરી હતી. આ ટેન્ક બોફોર્સ કરતા પણ વધુ શક્તિશાળી છે. અને તેને સેલ્ફ પ્રોપેન્ડ હોવિત્ઝર ગન તરીકે પણ ઓળખાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂરતના હજીરા ખાતેની એલએન્ડટી કંપની દ્વારા તૈયાર કરાયેલ ભારતીય સૈન્ય માટેની સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને સમર્પીત કરી હતી. મેઈક ઈન ઈન્ડીયાને પ્રોત્સાહન આપવા  અને ભારતીય સૈન્યના આધુનિકરણ માટેના પ્રોજેકટના ભાગરૂપે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એન્જિનિયરીંગ કંપની એલએન્ડટીએ આ ટેન્ક તૈયાર કરી છે. આ ઉપરાંત અહી હજીરા ગન ફેકટરીનું ભૂમિપૂજન પણ વડાપ્રધાને કર્યુ હતું. હાલમાં અહીં ઉત્પાદીત પ્રથમ ટેન્ક સૈન્યને સુપરત કરવામાં આવશે અને બાદમાં આર્મી દ્વારા તેનું ટેસ્ટીંગ કરીને જે નવા આઈડિયા આપવામાં આવ્યા છે તે મુજબ આ પ્રકારની વધુ 100 ટેન્ક તૈયાર કરાશે.

આ ટેન્ક કોઈપણ વાતાવરણમાં ચાલી શકે તેવી બનાવાઈ છે. 47 ટન વજનની આ ટેન્કની લંબાઈ 12 મીટર, ઉંચાઈ 2.3 મીટર અને તેમાં ટેન્ક પાયલોટ સાથે કુલ 5 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. ટી-9 વજ્રને સેલ્ફ પ્રોપેલ હોવિત્ઝર ગન તરીકે પણ ઓળખાય છે. આ ટેન્કમાં દારુગોળો આપોઆપ લોડ થાય છે અને બોફોર્સ ગનને પણ ટકકર મારે તેવી છે. તે 40થી 52 કિ.મી.ની ગતિએ દોડી શકે છે.

દક્ષિણ કોરીયાની કંપની હન્વા સાથે કરાર મુજબ આ ટેન્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટેન્કમાં જાતે જ સવારી કરી હતી અને સમગ્ર ફેકટરીની મુલાકાત લઈને ટેન્ક નિર્માણની વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી.