યૂથ કોંગ્રેસનો સલમાન નિઝામી આઝાદ કાશ્મીરનો તરફદારઃ PM મોદી

પંચમહાલઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિશંકર ઐયર બાદ હવે યૂથ કોંગ્રેસના નેતા સલમાન નિઝામીને નિશાને લીધા છે. આજે લૂણાવાડામાં આયોજિત એક રેલીમાં વડાપ્રધાન મોદીએ સલમાન નિઝામીને આઝાદ કાશ્મીરનો તરફદાર ગણાવ્યો હતો. મોદીએ જણાવ્યું કે યૂથ કોંગ્રેસના નેતા સલમાન નિઝામી અત્યારે પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ ટ્વિટર પર રાહુલના પિતા અને દાદી વિશે લખે છે. વડાપ્રધાને જણાવ્યું કે સલમાન નિઝામી પૂછે છે કે મોદી તમારા માતા કોણ છે? તમારા પિતા કોણ છે?  આ પ્રકારની ભાષાનો પ્રયોગ લોકો પોતાના દુશ્મનો માટે પણ નથી કરતા.

તો આ સાથે જ વડાપ્રધાને ઉમેર્યું કે નિઝામી એ વ્યક્તિ છે જે આઝાદ કાશ્મીર માટેની વકીલાત કરે છે, અને ભારતીય સેનાના જવાનોને રેપિસ્ટ ગણાવે છે. વડાપ્રધાને જણાવ્યું કે નિઝામી એ પણ કહે છે કે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે. વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે આખા દેશમાં મુસ્લિમોને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસ મુસલમાનોને આરક્ષણને લઈને જૂઠાં વાયદાઓ કરે છે, પરંતુ કોઈપણ રાજ્યમાં તેમના દ્વારા કરવામાં વાયદાઓ તેઓ પૂરા કરતાં નથી. વડાપ્રધાને ભરોસો અપાવ્યો કે ગુજરાતની જનતા કોંગ્રેસને સજા આપશે.