પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી જુલાઈમાં ગુજરાત પ્રવાસે આવશે, રાજકીય વાતાવરણ ગરમાયું

અમદાવાદ- ભાજપ અન કોંગ્રેસ પક્ષે લોકસભા 2019ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રચાર કેવી રીતે કરવો તેનું આયોજન પણ કરાઈ રહ્યું છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને અગ્રીમ હરોળના નેતાઓમાં અસંતોષ સર્જાયો છે, તે દૂર કરવા માટે જુલાઈમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદી 21-22 જુલાઈ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ બે દિવસના રોકાણમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે, તેમ જ ભાજપમાં અસંતોષને દૂર કરવા પ્રદેશ કક્ષાના નેતાઓને જણાવશે. પીએમ મોદી 21 જુલાઈએ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ આવશે. અને 22 જુલાઈએ નવી દિલ્હી જવા રવાના થશે. બે દિવસ દરમિયાન તેઓ પીડીપીયુ અને ફોરેન્સિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમ જ રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. હાલ પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

 

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કોંગ્રેસના ડેમેજ કન્ટ્રોલને અટકાવવા અને અંસતોષ ઠારવા માટે 16-17 જુલાઈ બે દિવસ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢના ચૂંટાયેલા પ્રતિનિધિને મળશે. રાહુલ ગાંધી ખેડૂતોને મળીને તેમના પ્રશ્નોને સાંભળશે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ કક્ષાના ટોચના નેતાઓ સાથે ચર્ચા પણ કરશે.

 

અમિત શાહની ગુજરાત મુલાકાત
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ 13-14 જુલાઈએ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 14 જુલાઈએ રથયાત્રા નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરે જઈ મંગળા આરતીમાં ભાગ લેશે. દર વર્ષે અમિત શાહ રથયાત્રા દરમિયાન મંગળા આરતીનો લાભ લે છે. તે પછી અમિત શાહ મુખ્યપ્રધાન વિજય રુપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના અગ્રણી નેતાઓ સાથે લોકસભા-2019ની ચૂંટણી અંગે ચર્ચા કરશે.

 

આમ ત્રણ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ શું રણનિતી ઘડે છે, તેના પર નજર છે.