PM મોદીએ નૈરોબીમાં ક્ચ્છીઓને સંબોધ્યાં, 18 એમ્બેસી ખોલવા સહિતની કરી જાહેરાતો

અમદાવાદ-નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ કેન્યાની રાજધાની નૈરોબીમાં દાયકાઓથી વસી રહેલાં કચ્છીમાડુઓને વિડીયો કોન્ફરન્સિંગથી એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. નૈરોબી સ્થિત કચ્છી લેઉવા પટેલ સમાજને સંબોધિત કરતાં પીએમે જણાવ્યું કે કેન્યાના વિકાસમાં કચ્છીઓનો બહુ મોટો ફાળો છે. તેઓ નૈરોબી સ્થિત શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્સના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન તેમની સાથે જોડાયાં હતાં.

પીએમ મોદીએ મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે આફ્રિકાના દેશોમાં નવી 18 એમ્બેસી ખોલવામાં આવશે. કેન્યા સાથેના મજબૂત બની રહેલા સંબંધોથી ભારત દ્વારા મોટું મૂડીરોકાણ થઇ રહ્યું છે. કેન્યાને ભારત સરકાર આર્થિક મદદ કરી રહી છે. ભારત અને આફ્રિકાના સંબંધો મજબૂત બનવાથી ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો છે.

પીએમે જય સ્વામિનારાયણના સંબોધનથી શરુઆત કરતાં કહ્યું તે પૂર્વ આફ્રિકાના દેશોના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજનું પ્રદાન સવાસો વર્ષ જૂનું છે. ગરીબવર્ગના બાળકો અને મહિલાઓ માટે શાળા-હોસ્પિટલ બનાવવાના તેમણે કરેલા પ્રયાસ બિરદાવવા જેવા છે. ભારતીયોનો પરિશ્રમ પરસેવો વહાવવા પૂરતો જ નહીં પરંતુ બલિદાનનો પણ છે કારણ કે અનેક ભારતીયોએ કેન્યાને આઝાદી અપાવવામાં ફાળો આપ્યો છે.

પીએમ મોદીએ પોતાની 2016માં કેન્યાની મુલાકાતને પણ આ પ્રસંગે યાદ કરી હતી અને જણાવ્યું કે કેન્યાની સરકારે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. દાયકાઓથી કચ્છીઓ વતનથી દૂર વસે છે પરંતુ એખ અંશ ભારત સાથે જોડી રાખે છે.કલમને જ્યાં વાવીએ ત્યાં ઊગે તે કહેવતને કચ્છીઓએ સાચી પાડી છે.મહાસાગરમાં મગરમચ્છ રમત કરે તેમ કચ્છીઓ આખી દુનિયા ફરી વળે છે અને જ્યાં જાય ત્યાં આપોઆપ કચ્છ સર્જાઇ જાય છે. કચ્છીઓ આફતને અવસરમાં ફેરવી છે.

પીએમ મોદીએ કેન્યાના નાગરિકોને અલાહાબાદ કુંભમેળામાં આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમ જ કચ્છ-જામનગર રો રો ફેરી સર્વિસ શરુ કરવાની વાત પણ કહી હતી.