300 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી કરાશે પેયજળ સૌરઊર્જા યોજના

ગાંધીનગર– ગ્રામપંચાયત વિસ્તારમાં પાણી પૂરવઠા માટે સોલાર પંપ સુવિધા અંતર્ગત ગ્રામ પંચાયત પેય જળ સૌર ઊર્જા યોજના રાજ્યના ૩૦૦ ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રામ પંચાયતના વોટર વર્કસ દ્વારા ૧૪૦૦ મીલીયન વીજ યુનિટ વપરાશ થયો છે. આ માટે દર વર્ષે રૂપિયા ૬૭૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા સબસીડીની રકમ તરીકે આપવામાં આવે છે.  આ ગ્રામ પંચાયત પેય જળ સૈાર ઊર્જા યોજનાના પ્રોજેક્ટ માટે પ્રવર્તમાન દરે રૂપિયા ૪૪૪૦ કરોડ ખર્ચ થાય છે. પ્રતિ કિલો વોટ વીજળી માટે ૧૦ ચો.મી. જમીનની જરૂરિયાત રહે છે. ગ્રામ પંચાયત પોતાના વોટર વર્કસની જમીન આ સૌર ઊર્જા યોજનામાં આપી શકશે.

આ યોજનામાં પ્રતિ કિલો વોટની કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ ટકા સબસીડી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત – રજૂઆત કરવામાં આવી છે અને બાકીના ૭૫ ટકા માટે વાર્ષિક ૬ ટકાના દરે ૭ વર્ષ માટે લોન મળી શકશે. જેની ચૂકવણી પ્રતિ વર્ષ રૂપિયા ૧૩૪૧૧ પ્રમાણે કરવાની થશે. ૭ વર્ષ પૂર્ણ થતાં રૂપિયા ૧૪૯૨૪ની ચોખ્ખી વાર્ષિક આવક ગ્રામ પંચાયતોને મળતી થશે. આ યોજનામાં જે ગ્રામ પંચાયતો અપફ્રન્ટ રકમ ભરે તેને એટલી ઓછી લોન લેવાની થશે તેવી સુવિધા પણ રાખવામાં આવી છે.