અમદાવાદઃ પાટીદાર અગ્રણીઓએ હાર્દિક મુદ્દે બેઠક યોજી કહ્યું તે કહેશે ત્યારે..

અમદાવાદ- અનામતની માગણી સાથે અનશન પર બેઠેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈને એકતરફ સરકારની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યાં બીજીતરફ પાટીદાર સમાજ પણ આ મુદ્દે હરકતમાં આવ્યો છે. અમદાવાદના સોલામાં આવેલ ઉમિયા કેમ્પસમાં પાટીદારોની છ સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.પાટીદાર અગ્રણી સી કે પટેલે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂઆત કરી હતી તેમના નેતાઓએ હાર્દિક સાથે વાત છે અને અમે તેના માટે ચિંતિત છીએ તેથી તે પારણા કરી લે તેવું તેને કહીશું. જો હાર્દિક તે વાત સ્વીકારશે તો તે કહેશે ત્યારે અમારા પ્રતિનિધિ હાર્દિકને પારણાં કરાવવા જશે. સમાજના હિતમાં અમે સરકાર સાથે વાત કરીશું, અમે સરકાર સાથે તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું.

બેઠકના પ્રારંભે બંધબારણે યોજાયેલી આ બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે તેઓ સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવા અંગે મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ અનામત મામલે હાર્દિકથી જુદો અભિપ્રાય પણ તેમનો હોઈ શકે છે તેવું ઇંગિત કર્યું હતું.આ પહેલાં પણ પાટીદાર સમાજના અગ્રણીઓ આ પ્રકારની મધ્યસ્થી કરી ચૂક્યાં છે. આ બેઠકને લઈને મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે.

હાર્દિક પટેલના ઉપવાસને લઈને સરકાર અને સમાજ બંને આજે સળવળ્યાં છે ત્યારે હાર્દિક પટેલને મળવા માટે આજે પણ રાષ્ટ્રીય સ્તરેથી રાજકીય વ્યક્તિઓની મુલાકાત ચાલુ રહ્યાં છે.