નરેશ પટેલ હાર્દિકને મળ્યાંઃ પારણાં કરાવવામાં નિષ્ફળ, હોસ્પિટલ ખસેડાયો હાર્દિક

અમદાવાદ– 14માં દિવસમાં પ્રવેશેલો હાર્દિક પટેલનો અનશન કાર્યક્રમ સમાજ અને સરકાર માટે આજે પણ ચર્ચા અને ચિંતાનો વિષય બની રહ્યો હતો. હાર્દિક પટેલને પાણી પીવા અને ઉપવાસ છોડી ભોજન કરી લેવા મનાવવાના પ્રયત્નોની હારમાળામાં ખોડલધામના અગ્રણી અને હાર્દિક માટે માનવંતા એવા નરેશ પટેલ પણ હાર્દિકને મનાવવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.

નરેશ પટેલે મધ્યસ્થી કરવાની વાતને હાર્દિકે હામી ભણી હતી જેને લઈને હાર્દિક સાથે વાત કરવા નરેશ પટેલ બપોરે અઢી વાગ્યાના શુમારે ઉપવાસ સ્થળ પર પહોંચ્યાં હતાં અને હાર્દિક સાથે વાતચીત કરી હતી. નરેશ પટેલે હાર્દિકને તેના સ્વાસ્થ્યના હિતમાં અને સમાજના હિતમાં પાણી પી લેવા અને ભોજન લેવાની વિનંતી કરી હતી. જોકે હાર્દિકે તેમને જણાવ્યું હતું કે તે પારણાં કરી લેશે પણ ક્યારે કરશે તે અંગે ફોડ પાડ્યો ન હતો. હાર્દિકની મુલાકાત લઈને નરેશ પટેલે મીડિયાને સંબોધતાં મુલાકાતની વિગતો આપી હતી.

નરેશ પટેલે જણાવી મુલાકાત ફળશ્રુતિ…

 મેં તેને વિનંતી કરી છે કે બને તેટલું જલદી પારણાં કરે

અનામત, ખેડૂતોના દેવા માફી સહિતની તેની માગણી દોહરાવી

અમે ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમિયાધામ સાથે મળી સરકાર સામે તેની માગ મૂકીશું અને આ બાબતનો બને તેટલી જલદી નીવેડો લાવીશું

હાર્દિકની તબિયતની ચિંતા છે તો પારણાં કરી લો અને રાજ્યના અને સમાજના હિતમાં પાણી પીવે અને પારણાં કરે તેવી પ્રાર્થના કરું છું.

દરેક સંસ્થાઓ ખભેખભો મેળવી આનો અંત લાવવા પ્રયાસ કરીશું ઊમિયાધામ-ખોડલધામના પ્રમુખો હોદ્દેદારો ભેગાં થઈ તેના ત્રણ મુદ્દાઓ સરકાર સમક્ષ જલદી રજૂ થાય તેમ રજૂ કરીશું. હાલના ધોરણે  અત્યાર સુધી સરકાર સાથે આ મુદ્દે કોઈ વાત નથી થઈ.

મારી પહેલી પ્રાયોરિટી છે કે હાર્દિક પારણાં કરી લે. મારી લાગણીને તેણે સાંભળી છે અને સહમતિ આપી છે કે તેમની વિનંતી ધ્યાને લીધી છે. મારી સરકારને પણ વિનંતી છે કે હાર્દિક સાથે વાત કરે. તેના સહયોગી મનોજ પનારા સાથે હાર્દિક તબિયત બાબતે વાત થઈ છે.

 

 

નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકે પાણી ન પીધું કે પારણાં ન કર્યાં પણ તેઓ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવા માટે સમજાવવામાં સફળ નીવડ્યાં છે. જેને લઈને પાસ કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કરતાં જણાવ્યું કે હાર્દિકના કથળતાં સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલાઈઝ કરી રહ્યાં છીએ. હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલના 6ઠ્ઠા માળે આવેલા એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલમાં સારવાર સાથે તેને ખોરાક આપવામાં આવશે કે કેમ તે અંગે કોઈ ફોડ હાલ પડ્યો નથી. જોકે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ આંદોલન કોઈ ચોક્કસ પરિણામ વિના સમાપ્ત થઈ શકે છે.