હું લોકસભાની ચૂંટણી લડવા આતુર નથી: પરેશ રાવલ

નવી દિલ્હી- અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવા આતુર નથી. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી. પરેશ રાવલ વર્તમાન સમયે અમદાવાદ પૂર્વ લોકસભા સીટથી સાંસદ છે.

પરેશ રાવલે શનિવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, મેં ચાર પાંચ મહિના પહેલા જ પાર્ટીને જણાવી દીધું હતું કે, હું ચૂંટણી નહીં લડુ. પણ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટીએ લેવાનો છે. રાવલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં તેમનું નામ નથી.

પરેશ રાવલે આ પહેલા પણ ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારા ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે એમ પણ કહ્યું છે કે હું હંમેશા પીએમ મોદીનું સમર્થન કરતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, ગત 2014ની લોકસભા ચૂંટણીમાં લોકપ્રિય અભિનેતા અને ગુજરાતી હોવાના કારણે તેમને બીજેપીએ અમદાવાદ ઈસ્ટથી લોકસભાની ટિકિટ આપી હતી. 2009માં આ સીટ પરથી ભાજપના ઉમેદવાર હરિન પાઠક લડ્યા હતાં. 2014ના લોકસભા ઈલેક્શનમાં રાવલે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને હરાવ્યા હતાં. સાથે જ આપના દિનેશ વાઘેલા, બસપાના રોહિત રાજુભાઈ સહિતના ઉમેદવારો હતાં. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલથી શરૂ થઈને 19 મેના રોજ પૂર્ણ થશે. કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. 23 મે પરિણામ જાહેર કરવામાં આવશે.