પાટીદાર નેતા પરેશ ધાનાણી બન્યા ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા

ગાંધીનગર – ગુજરાત કોંગ્રેસે તેના અમરેલીમાંથી ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.

ધાનાણી અમરેલી જિલ્લાના વગદાર ખેડૂત અને પાટીદાર નેતા છે.

ગુજરાતના નવા ચૂંટાયેલા કોંગ્રેસી વિધાનસભ્યોની બેઠકમાં ધાનાણીને વિધાનસભામાં એમના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ધાનાણી આ ત્રીજી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

કહેવાય છે કે, વિપક્ષી નેતા ધાનાણીને બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના નેતા હાર્દિક પટેલે પણ સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ જ જાહેરાત કરવામાં આવી હતી.

41 વર્ષીય પરેશ ધાનાણી ખેડૂત અને સામાજિક કાર્યકર્તા છે અને ગ્રેજ્યુએટ થયા છે. એમણે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી બી.કોમ. કર્યું છે.

ગુજરાતમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ જેવા ધુરંધર નેતાઓને ગુમાવી દીધા છે એટલે વિપક્ષી નેતા તરીકે ધાનાણીનું નામ મોખરે હતું.

ધાનાણી કોંગ્રેસમાં બે વખત સચિવ પદ સંભાળી ચૂક્યા છે. શનિવારે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની મંજૂરી મળી ગયા બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે ધાનાણીના નામની સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ધાનાણી અગાઉ બે વખત કોંગ્રેસનું સચિવપદ સંભાળી ચૂક્યા છે અને એમના અનુભવને ધ્યાનમાં રાખીને એમને વિપક્ષી નેતાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવશે.