પદ્માવતનો વિરોધઃ અમદાવાદમાં તોફાન, વાહનોની તોડફોડ કરી આગ લગાડાઈ

અમદાવાદ– અમદાવાદમાં પદમાવત ફિલ્મના વિરોધમાં તોફાનો અને આગચંપીના બનાવો બન્યા છે. અસામાજક તત્વોએ એસજી હાઈવે, એક્રોપોલીસ મૉલ, પીવીઆર, વસ્ત્રાપુરના આલ્ફાવન મોલ, ડ્રાઈવઈન રોડ પર આવેલ હિમાલય મોલમાં વાહનોની તોડફોડ કરી, વાહનોને આગ ચાપી અને દુકાનો-શોરૂમમાં તોડફોડ કરી હતી. પોલીસે દ્વારા ટોળાને કાબુમાં લેવા માટે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. અમદાવાદમાં પદમાવતી ફિલ્મનો વિરોધ હિસંક બનતો જઈ રહ્યો છે. પદમાવત ફિલ્મના વિરોધમાં કેટલાક તત્વોએ અમદાવાદની શાંતિને ડહોળી છે. અમદાવાદના એસજી હાઈવે, વસ્ત્રાપુર, ડ્રાઈવ ઈન રોડ પરના મોલમાં સ્થાનિકોના વાહનોને સળગાવી દેવાયા હતા, જેથી સ્થાનિકમાં ભારે રોષ ફેલાયો હતો. મોલમાં આવેલ દુકાનો પર પથ્થરમારો કરીને કાચ તોડી નાંખ્યા હતા. ડ્રાઈવઈન રોડ પર ચાઈલ્ડ હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાનની તોડફોડ કરી હતી. આમ ટોળા દ્વારા તોફાન કરીને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું છે.ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોલીસને કડક હાથે કામ લેવા આદેશ કર્યો છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે આ દુઃખદ ઘટના છે. લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે કે જાનમાલને નુકશાન ન કરે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)