રાજ્યમાં ડાંગર,મકાઈ,બાજરીની ટેકાના ભાવથી ખરીદીનો 16મી ઓકટોબરથી થશે પ્રારંભ

ગાંધીનગર- રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ સીઝન-૨૦૧૮-૧૯ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની આગામી 16 ઓક્ટોબરથી ખરીદી શરૂ થશે. 31 ડિસેમ્બર સુધી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના 59 જેટલાં ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવશે.ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે કે, ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ ડાંગર(કોમન) માટે રૂ.૧૭૫૦ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ.૧૭૭૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૭૦૦ પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૧૯૫૦ પ્રતિ ક્વિન્ટલ નિયત કરાયો છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી https://pds.gujarat.gov.in ઉપર કરાવવા માટે નિગમની જિલ્લા કચેરીઓ અને નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે.