આ પાકનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ, 101 કેન્દ્ર પર 15મીથી ખરીદી શરુ થશે

ગાંધીનગર- ઉત્તરાયણના રોજ કમૂરતાં ઊતરે એટલે ૧૫ જાન્યુઆરી નવા કામકાજ શરુ કરવામાં આવનાર છે તેમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનું કામ પણ સરકાર દ્વારા શરુ કરવામાં આવશે. રસ ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કરાવી દીધું છે. આ માટે પહેલી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીમાં i-pds પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું છે.

રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે તુવેર રૂ. ૫૬૭૫/- પ્રતિ ક્વિન્ટલ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કરાયું છે. જે ખેડૂતો પોતાનો તુવેરનો જથ્થો વેચવા માંગતા હોય તેઓએ  i-pds પોર્ટલ પર ઓનલાઇન ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.  

નોંધણી માટે ખેડૂતોએ ચાલુ વર્ષમાં તુવેરના વાવેતરનો ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે. ૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ન હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તુવેરનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ કવાલિટી મુજબનો ખરીદવામાં આવશે.

બહોળી સંખ્યામાં રાજ્યના ખેડૂતો લાભ લઇ શકે તે હેતુથી રાજ્યના ૧૦૧ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૯થી તા. ૧૪મી એપ્રિલ ૨૦૧૯ સુધી તુવેરની ખરીદી કરવામાં આવનાર છે. આ અંગે વધુ વિગતો માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવા મેનેજર એમ.એસ.પી.ની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ૧૫ નવેમ્બર ૧૮થી મગફળીની ખરીદી થઈ રહી છે. જેમાં ૧લી જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં રાજ્યભરમાં ,૧૩,૪૯૮ ખેડૂતો પાસેથી રૂ.૧૧૩૨.૦૧ કરોડની કિંમતની ૨૨,૬૪,૦૩૫ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તા. ૧લી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૦,૪૮૯ ખેડૂતોને રૂા.૮૦૮.૨૧/- કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે. કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર પરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા કર્યાં બાદ નોંધણીના  ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી.

સાથે જ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના નવા પરવાના મેળવવા તેમ જ રીન્યુ કરવા માટેની અરજી તથા જરૂરી દસ્તાવેજોની માહિતી ઓનલાઇન મળી રહે તથા સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના પરવાના મેળવવા માટે I-khedut portal ઉપર ઓનલાઇન અરજી કરવાની સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના ભાગરૂપે વિક્રેતાઓએ નવા પરવાના મેળવવા તથા રીન્યુ કરવા માટે તા.૧લી જાન્યુઆરી-૨૦૧૯થી www.ikhedut.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવા પણ જણાવાયું છે.