મહેસૂલ કેસોમાં ઓનલાઇન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સીસ્ટમ અપનાવાશે

ગાંધીનગર- મહેસૂલ વિભાગના ખાસ સચિવ-વિવાદની કચેરીમાં ચાલતા કેસો, બાકી પડતર કેસોની સમીક્ષા કરીને જે કેસોમાં આખરી સુનાવણી પૂર્ણ થાય તે જ દિવસે ઓપન કોર્ટમાં ચુકાદો જાહેર થવાની તારીખની જાણ પણ અરજદારને કરાશે. મહેસૂલપ્રધાન કૌશિક પટેલે આ નિર્ણય વિશે જણાવ્યું હતું.આ નિર્ણયથી પક્ષકારોને ઓપન કોર્ટમાં હૂકમની જાણ થવાથી પારદર્શિતા જળવાશે. આજે ગાંધીનગરમાં ખાસ સચિવ, મહેસૂલ વિભાગ-વિવાદની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘હૂકમ સારાંશ સંગ્રહ-૨૦૧૮’ પુસ્તિકાનું  કૌશિક પટેલે વિમોચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મહેસૂલ પંચ સમક્ષ રજૂ થતા કેસોમાં ઓનલાઇન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સીસ્ટમ અપનાવાશે. ટેકનોલોજીના આ ઉપયોગથી નાગરિકોને તેમના કેસોની માહિતી એસ.એમ.એસ. દ્વારા મળી રહેશે.

ખાસ સચિવ (વિવાદ)ની કોર્ટમાં બિનજરૂરી કેસોનો ભરાવો ન થાય કે અનિર્ણિત ન રહે તે માટે કેસો દાખલ કરવામાં આવે તે સમયે વિવાદનો મુદ્દો ચકાસીને, કેસના ગુણદોષ ચકાસીને નિકાલ કરાશે. કેસ દાખલ કરવામાં આવે પછી કેસો નીચલી કોર્ટમાં રીમાન્ડ ન કરતાં તેનો આખરી ચૂકાદો આવે તેવી રીતે હુકમો કરવામાં આવે તથા જો કેસને રીમાન્ડ કરવાનો હોય તો તેના સ્પષ્ટ મુદ્દા જણાવીને કયા અધિકારીને રીમાન્ડ કરવામાં આવે છે  તેના સ્પષ્ટ નિર્દેશ સાથે  રીમાન્ડ કરવા નિર્ણય કરાયો છે.

કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે સંબંધિત કલેકટર કચેરી તરફથી કેસોનું રેકર્ડ નિશ્વિત સમય મર્યાદામાં પુરૂ પાડવા તેમજ અનુભવી કર્મચારીને રેકર્ડ સાથે  ઉપસ્થિત રહેવા બાબતે સર્વે કલેકટરોને  પરિપત્રો પણ મોકલી દેવામાં આવ્યાં છે.