વળી એકવાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ, ટિકીટની ધાંધલી બહાર આવી

અમદાવાદ-ગરમી બહુ છે અને શનિરવિની રજામાં ભાવનગર ફેરી સર્વિસનો લહાવો લેવા ઇચ્છતાં મુસાફરો માટે મહત્ત્વના સમાચાર છે. વધુ એકવાર ફેરી સર્વિસ બંધ કરી છે અને સોમવાર 8 એપ્રિલથી ફરી શરુ કરવાનું આશ્વાસન અપાયું છે.
ભાવનગરના ઘોઘાથી ભરુચના દહેજ વચ્ચેની દરિયાઇ સફર કરાવતી રોરો ફેરી સાચે જ રોવાના વારા અવારનવાર લાવી રહી છે.  ગુજરાતના વિકાસનું મોટું પ્રતીક એવી આ ફેરી સર્વિસ જોકે ટેકનિકલ કારણે નહીં પણ ભ્રષ્ટાચારના મામલે બંધ રાખવાનો વારો આવ્યો છે. ફેરી સર્વિસમાં ટિકીટની ધાંધલી થઈ હોવાનું જાણવા મળે છે.
જેમાં રો-રો ફેરી સર્વિસના મુખ્ય બૂકિંગ એજન્ટ દ્વારા સોફ્ટવેરમાં ગોટાળા કરી અને ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણાં વસૂલાતાં હોવાનું બહાર આવતાં ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. ફેરી ઓપરેટર ડી.જી. કનેક્ટ દ્વારા ભાવનગરની તન્ના ટ્રાવેલ્સને બૂકિંગ માટે મેઇન એજન્સી આપવામાં આવી હતી જેમાં તેમણે પણ અન્ય પેટાએજન્ટ નીમ્યાં હતાં.આ લોકોએ ટિકીટના સોફ્ટવેરમાં ચેડાં કરી ફેરી સર્વિસ જેવી જ ટિકીટ બનાવી અને નક્કી કરાયેલી રકમથી વધુ રુપિયા લેવાતાં હોવાનું તંત્રની જાણમાં આવ્યું હતું જેને લઇને 8મી સુધી ફેરી સર્વિસ બંધ કરી છે.જોકે મુખ્ય ઓપરેટરે આશ્વાસન આપ્યું છેકે 8મી એપ્રિલથી પુન: ફેરી સર્વિસ કાર્યાન્વિત થઈ જશે. ફેરી ઓપરેટર દ્વારા સૂરત, રાજુલા, અમરેલીમાં નવા એજન્ટો નીમવા માટેની કામગીરી લગભગ પૂરી પણ કરાઇ છે.