અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

અમદાવાદ– મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જે કામ ન કરી શક્યાં તે કામ કુદરતે સાવ સહેલાઇથી કરી આપ્યું છે. નવેમ્બરમાં શહેરનો એર ઇન્ડેક્સ ખતરનાક સપાટીએ પહોંચી ગયો હતો તે હવે કાલે આખો દિવસ ઓખીની અસરમાં પડેલા હળવા વરસાદે ધોઇ નાંખ્યો છે.

કોર્પોરેશન અધિકારીના જણાવ્યાં પ્રમાણે ઓખી વાવાઝોડું નાગરિકો માટે રાહત લઇને આવ્યું હતું. પીરાણાને બાદ કરતાં શહેરમાં જ્યાં તમામ સ્થળ પર મૂકાયેલાં એક ક્વોલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણની માત્રા આજે ઘટીને ફક્ત 100 પર રહી ગઇ હતી.

એરક્વોલિટી ઇન્ડેક્સ 100ની આસપાસ હોય તેને સૌથી સારું હવામાન ગણી લીલા રંગથી દર્શાવવામાં આવે છે. અમદાવાદના નાગરિકોએ આજે શુદ્ધ હવા સાથેનો સાચે જ ખુશનુમા દિવસનો અનુભવ મળ્યો છે.

ઓખી વાવાઝોડાંની અસરથી સર્જાયેલાં હવામાનથી હવામાં પીએમ પાર્ટિકલની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ધીમાધીમા પડેલા વરસાદની સાથે હવામાંના ઝેરી રજકણો જમીન પર બેસી ગયાં હતાં. વળી હવામાનની ટાઢકથી પણ સરસ વાતાવરણનો લહાવો મળ્યો હતો.અમદાવાદમાં હજુ એકાદ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જેને લઇને શહેરમાં ઓખીની અસર સુધી સ્વચ્છ હવામાન રહેશે.

હાલમાં ઓખી તેની તીવ્રતા ગુમાવીને લૉ પ્રેશરમાં ફેરવાઇ ગયું છે.જેથી નુકસાનની તમામ સંભાવના ટળી ગઇ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. આ વિસ્તારોમાં જોકે આશરે 35 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો રહેશે અને મધ્યમ વરસાદ પડશે.