ઓખી વાવાઝોડુ ગુજરાતમાં દેશે દસ્તક

અમદાવાદ- તામિલનાનાડુ અને કેરળમાં ‘ઓખી’ નામના ચક્રવાતે હાહાકાર મચાવ્યા બાદ આ વાવાઝોડુ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ ગુજરાતને પણ અસર કરે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદ આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ખુશીની વાત એ છે વાવાઝોડુ ગુજરાત સુધી પહોંચશે ત્યાં સુધી નબળુ પડી જશે એટલે ભારે વરસાદ કે ચક્રવાત ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ નથી.

મહત્વનું છે કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ઓખી ચક્રવાતના પગલે ચૂંટણી રેલીઓ, જાહેરસભાઓ, પ્રચાર અભિયાન, પોલીટીકલ પાર્ટીઓના વિવિધ કેમ્પેન વિગેરે સહિતના કાર્યક્રમો પર વાવાઝોડાના કારણે અસર પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે chitralekha.com સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ચોથી ડિસેમ્બરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 5 તેમજ 6 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. જો કે તમિલનાડુ અને કેરળમાં આવેલું ચક્રવાત ઓખી ગુજરાત સુધી આવતા નબળુ પડી જશે.

ઉલ્લેખનીય છે તમિલનાડુ પછી આ ચક્રવાતી વાવાઝોડુ કેરળના તટ પર પાસે પહોંચ્યું હતું. વાવાઝોડાના પગલે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો. વાવાઝોડાએ અહીંયા પોતાનું વરવું સ્વરૂપ બતાવતા હાહાકાર મચાવી દીધો છે. આ વાવાઝોડામાં કુલ 9 લોકોનાં મોત થયા છે. કેરળ અને લક્ષદ્વીપ વચ્ચે દરમિયાનમાં અંદાજે 80 જેટલા માછીમારો ફસાઈ ગયા છે. તેમને બચાવવા માટે ઈન્ડિયન નેવી, એરફોર્સ અને કોસ્ટલ ગાર્ડ્ દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓખી શનિવારે લક્ષદ્વીપને અથડાય તેવી પણ શક્યતા છે. હાલ “ઓખી” વાવાઝોડુ 140 પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.