હનુમાનજીને પહેરાવવામાં આવ્યાં સાંતાક્લોઝ જેવા કપડાં અને થયો વિવાદ

બોટાદઃ બોટાદમાં બજરંગબલી હનુમાનજી મહારાજને સાંતા ક્લોઝ જેવા કપડાં પહેરાવ્યાનો મામલો સામે આવ્યો છે. આની જાણકારી મળ્યા બાદ હિંદુ સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો છે. તો મંદિરના પ્રમુખ પૂજારી વિવેક સાગરે આ મામલે જણાવ્યું આ કપડાં ગરમ અને મખમલી છે. આને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ન થવો જોઈએ.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાતના સારંગપુર મંદિરમાં દિવસમાં બે વાર હનુમાનજી મહારાજના કપડાં બદલવાની પરંપરા છે. આ અંતર્ગત ભગવાનને સાંતાક્લોઝ જેવા કપડાં પહેરાવવામાં આવ્યાં જેથી ભગવાનના ભક્તોની લાગણી દુભાઈ હતી. પૂજારીએ જણાવ્યું કે આ કપડાં અમેરિકામાં રહેતાં એક શ્રદ્ધાળુએ મોકલ્યાં છે.

મંદિરમાં હનુમાનજીને પહેરાવવામાં આવેલા કપડાં લાલ રંગના છે. આમાં એક ટોપી પણ આપવામાં આવી છે. તો આ ડ્રેસની બોર્ડર સફેદ રંગની છે. ત્યારે લોકોનું કહેવું છે કે આ પ્રકારના કપડાં સાંતા ક્લોઝના હોય છે. તેમણે હનુમાનજી મહારાજને પહેરાવવામાં આવેલાં આ કપડા બદલવાની માગ કરી હતી.

મંદિરના પૂજારી વિવેક સાગરે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે. આ મહિનાની પરંપરા અનુસાર ભગવાનને નિત્ય અલગઅલગ પ્રકારના કપડાં પહેરાવવામાં આવે છે. શિયાળામાં ભગવાનને ગરમ કપડા પહેરાવવાની પરંપરા છે. અમેરિકાથી આવેલા કપડાં ગરમ અને મખમલી છે જેને શિયાળામાં ભગવાનને પહેરાવવામાં આવ્યાં છે. ત્યારે આવામાં આ મામલે વિવાદ ન થવો જોઈએ.