ઉ. ગુ. સહિત અમદાવાદ અને સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં નર્મદા પાણી પિયત શરુ

ગાંધીનગર- નાયબ મુખ્‍યપ્રધાન અને નર્મદા પ્રધાન નિતીન પટેલે જણાવ્‍યું છે કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્‍યાં ખેડૂતોને વાવણીમાં મદદરૂપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્‍ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે અને જ્યાં વરસાદ નથી થયો ત્‍યાં આ પાણી મળતા ખેડૂતોને ઝડપથી પિયતની સુવિધા મળતી થઇ જશે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં ખેડૂતોને પિયતની સુવિધા માટે સત્‍વરે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ મહત્‍વનો નિર્ણય કર્યો છે. આ નર્મદાના નીર આવતી કાલથી જ કેનાલ મારફત આપવાનું શરૂ કરાશે. એ જ રીતે સુજલામ સુફલામ કેનાલ દ્વારા પણ ખેડૂતોને પિયતની સુવિધા પૂરી પાડવા માટે આવતી કાલથી જ સુજલામ સુફલામ કેનાલોમાં પણ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે.