પાણી નથી, ડાંગરના ખેડૂતો વાવણી ન કરે, સિંચાઈ વિભાગનો પત્ર…

સૂરતઃ ચોમાસામાં પડેલી વરસાદની ઘટે રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલીનો હલ શોધવામાં મશગૂલ તંત્રને ખેતી માટેપણ મુશ્કેલીમાં મૂક્યાં છે. પાણીની અછતને લઇને ડાંગર જેવા વધુ પાણી લેતાં પાકની વાવણી ન કરવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.સૂરત સિંચાઇ વર્તુળે ઉકાઇમાં પાણીની અછતને પગલે રવી-ઉનાળુ ડાંગની વાવણી નહીં કરવા માટે પરિપત્ર દ્વારા જણાવ્યું છે. રાંદેર સિંચાઇ વિભાગે ખેડૂતોને પિયત મંડળી થકી મોકલેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, વીતેલા ચોમાસાની સિઝન દરમિયાન ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સામાન્યથી ખૂબ ઓછો વરસાદ થયો હોય ઉકાઇના જળાશયમાં પૂરતા પાણીનો સંગ્રહ થયો નથી. જેને કારણે વધારે પાણીના ઉપયોગવાળા ઉનાળું ડાંગર સહિતના પાકની વાવણી નહીં કરવી.આ આદેશને લઇને ડાંગરના ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ઉકાઇ જમણા કાંઠા વિસ્તાર માટે ચાર રોટેશન નક્કી કરવામાં આવ્યા છે. ગત વર્ષે પણ ડાંગરની વાવણી નહીં કરવા માટે જણાવાયાં છતાં ખેડૂતોએ વાવણી કરી દેતા કુદિયાણા, ભાંડુત, માયનોર, બરબોધન, માસમા અને ઓરમા નહેરમાં સિંચાઇના પાણી પહોંચ્યા ન હતા.
પાણી નહીં પહોંચવાના કારણે પશુઓ માટે ઘાસચારા અને શાકભાજી માટે પૂરતું પાણી મળી શક્યું ન હતું. એટલું જ નહીં, ગયા વર્ષે પોલીસ બંદોબસ્ત મૂકીને છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવા સુધીની કવાયત કરવી પડી હતી.

આ અનુભવ ધ્યાનમાં લેતા આ વર્ષે ઉનાળું ડાંગરની વાવણી નહીં કરવા માટે સિંચાઇ વિભાગે જણાવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. કારણ કે વાવણીની તમામ તૈયારીઓ ખેડૂતોએ કરી દીધી છે. ત્યારે છેલ્લી ઘડીએ પાણીએ છોડવા સિંચાઇ વિભાગે ના પાડી દીધી છે.શેરડી કરતાં ડાંગરને ઓછા પાણીની જરૂર રહે છે છતાં વાવણી માટે ઇન્કાર કરીને સરકાર માનવસર્જિત અછત ઊભી કરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજ કરી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કાર્યક્રમ ઘડી કાઢવામાં વશે તેમ જ ઉચ્ચસ્તરે રજૂઆત કરાશે.