ગીરના સિંહોનું અન્યત્ર સ્થળાંતર નહીં કરાય, ગુજરાતમાં સિંહો સલામત છે: રૂપાણી

જૂનાગઢ – ગીરમાં વિવિધ બિમારીથી ૨૩ સિંહોના મૃત્યુ સંદર્ભે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે જુનાગઢ જિલ્લાના બિલખામાં પ્રચારમાધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે, ગીર અને આસપાસના વિસ્તારમાં વસતા સિંહમાં બીમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાતોની મદદથી સર્વેક્ષણ અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. તેનાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી ચિંતાનો કોઈ વિષય નથી.

ભવિષ્યમાં સિંહોમાં બીમારી અંગે ઝડપથી નિદાન કરવા અને સારવાર આપવા માટેની પ્રક્રિયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઈ રહ્યું છે. ગુજરાતમાં સિંહો સલામત છે અને એમનું કોઈ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં નહીં આવે.

રૂપાણીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાત સરકાર સિંહોના રક્ષણ માટે કટીબદ્ધ છે. સિંહો માટે અમેરિકાથી તાબડતોબ રસી પણ મંગાવવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી થઈ રહી છે. ગીરમાં સિંહોના સ્વાસ્થ્યને લઈને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.