ચૂંટણી જીતવા કોંગ્રેસ હાફીઝ સઈદનો પણ સહારો લઈ શકે: નિતિન પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુલાકાતને લઈને સસ્પેંસ યથાવત છે ત્યારે બીજી તરફ નિતિન પટેલે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. નિતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ આતંકવાદીઓને પણ આમંત્રણ આપી શકે છે. નિતિન પટેલે જણાવ્યું કે જો કોંગ્રેસને એમ લાગ્યું કે આ લોકો રાજ્યમાં સરકાર બનાવવા માટે મદદ કરી શકે છે તો કોંગ્રેસ હાફીઝ સઈદ જેવા આતંકીઓ સાથે પણ હાથ મિલાવી શકે છે.

વિધાનસભાની ચૂંટણીને જોતા રાહુલ ગાંધીની સક્રિયતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વધી ગઈ છે. ગત મહિને પણ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તે સમયે હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું ગુજરાતમાં સ્વાગત કરીને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના સંકેત આપ્યા હતા. ગઈકાલે રાહુલ ગાંધીએ ગાંધીનગરની રેલી દરમીયાન મોદી સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે પીએમ મોદીના આર્થિક એજન્ડા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, જીએસટીનું ફુલફોર્મ ગબ્બર સિંહ ટેક્સ છે જેની નોટબંધીની અસરથી બહાર આવી રહેલા દેશ પર ખરાબ અસર પડી છે.