નિતીન પટેલઃ કોંગ્રેસ વાઘજી બોડાનું રાજીનામું કેમ નથી માગતી?

ગાંધીનગર-ખૂબ ગાજી રહેલાં મગફળીકાંડ મામલે કોંગ્રેસને સાણસામાં લેતાં નાયબ મુખ્યપ્રધાને નાફેડના વાઘજી બોડા વિશે પૂછ્યું હતું.નિતીન પટેલે નાફેડ ચેરમેન વાઘજી બોડાએ મગફળી મુદ્દે ટંકારામાં કોંગ્રેસના સંમેલનમાં મંચ પરથી નિવેદનો કર્યા છે તેને આઘાતજનક ગણાવ્યાં છે. તેમણે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સોંપી હતી. આ ખરીદી પ્રક્રિયામાં મગફળીની ગુણવત્તા ચકાસણી, ગોડાઉન સ્ટોરેજ જાળવણીથી લઇને વેચાણ અને ખેડૂતોને પેમેન્ટ સુધીની બધી જ જવાબદારી નાફેડ હસ્તક હતી તેમ જણાવતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે નાફેડ આ જવાબદારી નિભાવવાની ફરજ ચૂકી ગયું છે તે વાઘજી બોડા કેમ સ્વીકારતાં નથી?

ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં અનેક પગલાંઓ લઇને ગંભીરતાપૂર્વક તપાસ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા ર૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. વાઘજીભાઇના ભત્રીજાની આ કાંડમાં સંડોવણી છે તથા નાફેડના બે અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે નાફેડના ચેરમેન તરીકે પોતે ફરિયાદ કરવાને બદલે કોંગ્રેસના મંચ પરથી નિવેદનો કરવા કેટલા વાજબી છે તેવો સવાલ પણ નાયબ મુખ્યપ્રધાને ઉઠાવ્યો છે.

નિતીન પટેલે જણાવ્યું કે, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી મગફળી મામલે ધરણા કરીને તપાસની માંગ કરે છે અને તેમના જ પક્ષના નાફેડના ચેરમેન કોંગ્રેસના મંચ પરથી ખૂલાસાઓ કરે છે. પરેશભાઇ ધાનાણીએ નાફેડના ચેરમેનની નિષ્ફળતા બદલ તેમને કોંગ્રેસમાંથી દૂર કરવા જોઇએ. નાફેડના ચેરમેન તરીકે વાઘજીભાઇ બોડાએ તો પોતે આગળ આવી સરકારને પગલાં લેવા જણાવવું જોઇએ તે ફરજ પણ તેઓ ચૂક્યાં છે.