વડોદરા ભાજપના ત્રણ નારાજ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડુ

0
1431

ગાંધીનગરઃ વડોદરાના નારાજ ત્રણ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડુ આવ્યું છે. મધુ શ્રીવાસ્તવ, કેતન ઈનામદાર અને યોગેશ પટેલને ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મળવા બોલાવ્યા છે. વડોદરાના આ ત્રણ નારાજ ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં લોકોના કામો નહી થતાં હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી ભાજપ મોવડીમંડળે નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી. મળતાં સમાચાર મુજબ નિતીન પટેલને મળવા માટે મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈમાનદાર ગાંધીનગર આવશે, યોગેશ પટેલ ગાંધીનગર નથી આવી રહ્યા.

ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા ત્રણ નારાજ ધારાસભ્યોની નારાજગી દૂર કરવા માટે વડોદરા દોડી ગયા હતા. અને બંધ બારણે બેઠક કરી હતી. નારાજ ધારાસભ્યોને સાંભળવા માટે આજે શુક્રવારે તેઓએ ગાંધીનગર બોલાવ્યા છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યો અધિકારીઓથી નારાજ છે, મે ત્રણેય ધારાસભ્યોને ગાંધીનગર બોલાવ્યા છે. અને તેમની સાથે ચર્ચા કરીશું. તેઓ અમિત શાહને મળવા ઈચ્છે તો પણ તેઓ મળી શકે છે. આજની બેઠકમાં ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ પણ હાજર રહેશે.