નિરમાની ટીમે બાજા-SAE ATV સ્પર્ધામાં જીત્યાં વિવિધ એવોર્ડઝ

અમદાવાદ-: અમદાવાદની નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીને સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જીન્યર્સ (એસએઈ) દ્વારા આયોજીત બાજા એસએઈ ઈન્ડિયા 2018ની 11મી એડિશનની ઈન્ટર-કોલેજ સ્પર્ધામાં  વિવિધ એવોર્ડઝ હાંસલ થયા છે.

તા. 25 થી 28 જાન્યુઆરી દરમ્યાન પિથમપુર, ઈન્દોર ખાતે યોજાયેલા આ સમારંભમાં નિરમા યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓની  ટીમ સ્ટાલિયોન્સ સામેલ થઈ હતી.  આ ટીમે  રૂલ બુકનાં સ્પેસિફિકેશન્સને અનુસરીને રોડ સિવાયની તમામ પ્રકારની સપાટી  ઉપર (ATV) ચાલે તેવુ એક સીંગલ સીટર, ફોર વ્હિલર વાહન ડિઝાઈન, ફેબ્રીકેટ અને વેલીડેટ કરવાની કામગીરી બજાવી હતી.

આ સ્પર્ધામાં બધી મળીને 150 ટીમ સામેલ થઈ હતી જેમાં કેટલીક IITs અને NITsનો પણ સમાવેશ થયો હતો અને તેમને એક ઓછા વજનનું એવું ATV તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી જે સુંદર દેખાતુ હોય અને એર્ગોનોમિકલી મજબૂત,ટકાઉ હોય અને વાસ્તવિક સ્થિતિમાં કામ આપે તેવું હોય. મૂલ્યાંકનની પ્રક્રિયાના સ્ટેટિક ઈવેન્ટમાં ખર્ચ, ડિઝાઈન, સૌંદર્ય, અને ફેબ્રિકેશનની ગુણવત્તાને આધારે આ વાહનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ પરિબળોને ચકાસવામાં આવ્યા હતાં. ડાયનેમિક ઈવેન્ટમાં ઝડપ વધારવા અંગેનો ટેસ્ટ, ,બ્રેકીંગ, સ્લેજ પુલ, ડ્રાઇવરની સલામતિ અને વિવિધ પ્રકારની જમીનમાં ચલાવવાની ક્ષમતા  ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત એક ટેકરીવાળા પ્રદેશ ઉપર લઈ જવાનો ટેસ્ટ પણ લેવાયો હતો.

નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 2 બાજા બગી બનાવી હતી, જેમાં  એક m-BAJA  બગી હતી, જે એન્જીનથી ચાલતી મિકેનિકલ એટીવી તરીકે કામ કરતી હતી, જેના કેપ્ટન હાર્દિક વાઘેલા અને ડ્રાઈવર વત્સલ પટેલ હતા.  બીજુ બેટરી ઓપરેટેડ ઈલેકટ્રિકલ વાહન e-BAJA હતું  જેના કેપ્ટન અને ડ્રાઈવર અલ્પેશ મોદી હતા.e-BAJA ના ફેકલ્ટી એડવાઈઝર પ્રો. પી.એન. કપિલને તેમના મૂલ્યવાન માર્ગદર્શન બદલ બાજા દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ટીમ સ્ટાલીયોન્સને m-BAJA માં પ્રથમ સ્થાન હાંસલ થયું હતું. આ વાહન અત્યંત આકરા મજબૂતીના ટેસ્ટમાંથી પસાર થયું હતું. ચકાસણી દરમ્યાન  ડ્રાઈવર અને બગીને વિજેતા બનતા પહેલાં તેની મર્યાદા સુધી ચલાવવાનું કહેવામાં આવ્યું હતું.એન્ડ્યુરન્સ ટેસ્ટમાં વાહનને હાઈ સ્પીડ ઉપર અત્યંત પડકારજનક રૉક ક્રાઉલ, મડ બોગ, સસ્પેન્શન અને રેકટેંગલ બમ્પસ ધરાવતી જમીન ઉપર સતત ચાર કલાક ચલાવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા એક પણ બ્રેકડાઉન વગર ટ્રેકનો મહત્તમ હિસ્સો પાર કરવામાં આવ્યો હતો.

એન્ડ્યુરન્સ ટેસ્ટમાં e-BAJA બગીને તૃતિય સ્થાન હાંસલ થયું હતું. આ ટીમને સેલ્સ પ્રેઝન્ટેશનમાં દ્વિતિય સ્થાન હાંસલ થયું હતું, જેમાં ટીમ દ્વારા બાજા બગીના ઉત્પાદન માટે મેન્યુફેકચરીંગ કંપની સ્થાપવા માટેનો પ્રોજેકટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો.