વાયબ્રન્ટ સમિટ પહેલા જાહેર થઈ શકે છે નવી ટેક્સટાઈલ પોલિસી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઈલ પોલિસીના સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી 2012 પૂર્ણ થઈ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવનાર છે. આ પોલિસીને આખરી કરતા પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે એક બેઠક મેળવી તેમના સૂચનો પણ મેળવ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું છે કે ગુજરાત ટેક્સટાઈલ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઈલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. નવી જાહેર થનારી ટેક્સટાઈલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહ સહિત મુખ્યપ્રધાનના અગ્ર સચિવ, ઉદ્યોગ અગ્ર સચિવ મનોજ કુમાર દાસ, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ આ બેઠકમાં જોડાયા હતા.