વલભીપુરમાં 7.55 કરોડના ખર્ચે ખેત ઉત્પન્ન બજાર સમિતિનું નિર્માણ કરાશે

ગાંધીનગર- વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સહકાર રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલે આપેલી માહિતી પ્રમાણે ભાવનગરના વલભીપુરમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ખેત ઉત્પન્ન બજાર સમિતિના નવા મકાનનું બાંધકામ થશે.

પ્રતીકાત્મક તસવીર

વલ્લભીપુર અને ઉમરાળા તાલુકા અલગ થતા વલ્લભીપુર ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિ સ્થાપવાની જરૂરિયાત ઉભી થઇ હતી જે માટે રૂ.૧,૨૬૫ ચો.મી.ના દરે કલ્યાણપુર નજીકની જમીન ફાળવવાનો નિર્ણય થયેલો પરંતુ અંદાજે રૂ. ૫૧ કરોડનો માતબર ખર્ચ થતો હોઇ, આ જમીન ઉપર મકાન બાંધવાનું મુલતવી રખાયું હતું. હવે વલ્લભીપુર ખાતે નવી જમીનની ફાળવણી થતાં આ જમીન રૂ.૨.૫૫ કરોડના ખર્ચે ખરીદવાનો નિર્ણય કરાયો છે.

આ જમીન ઉપર વધારાના રૂ. પાંચ કરોડના ખર્ચે ખેત ઉત્પન્ન બજાર સમિતિનું નવું મકાન બાંધવામાં આવશે.

એપીએમસીને દર સો રૂપિયે પચાસ પૈસાની શેષની આવક થાય છે. જ્યારે રાજ્ય સરકાર જે એપીએમસી પાંચ વર્ષથી વધુ સમય માટે કાર્યરત હોય તેને જંત્રીના ૧૫ ટકાના દરે ૧૦ એકર જમીન ફાળવવામાં આવે છે. જ્યારે તાલુકામથકે આવી જમીન જંત્રીના ૨૦ ટકાના દરે ફાળવાય છે.