વધતાં વાહનો-ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા સ્માર્ટ સિટીનું ગ્રહણ…

0
1104

અમદાવાદ- ભારત દેશમાં અમદાવાદ શહેર સહિતના ઘણાં નાનામોટા નગરોને સ્માર્ટ સિટી તરફ લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે. શહેરોમાં માર્ગ, મકાન,વાહન વ્યવહાર  અને નવી ઇમારતો સાથેની અનેક સુવિધાઓ પાછળ અઢળક નાણાં ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક તંત્ર તો ક્યાંક નાગરિકોની બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાય છે.

તાજેતરમાંજ હાઇકોર્ટ દ્વારા પાર્કિંગ મુદ્દે તંત્રને કડક પણે અમલ કરવાનું કહેતાની સાથે જ અમદાવાદ શહેરના રાજપથ કલબ, એક્રોપોલિસ મોલ સાથે એસ.જી.હાઇવે પરના અનેક ઠેકાણે સૌ સતેજ થઇ ગયા છે. આખાય હાઇવે પર પોલીસ, મનપા સાથે માર્ગ પરની સંસ્થાઓ-બિલ્ડીંગના સત્તાવાળાઓ વ્યવસ્થા અને શિસ્ત માટે કામે લાગી ગયા છે.

સતત વિકસતા જતાં એસ.જી.હાઇવે પર માલેતુજાર લોકો માટેની મોટી કલબો, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનેક કોર્પોરેટ ઓફિસ, મોલ-મલ્ટિપ્લેક્ષ ,  રહેણાંક વિસ્તારો આવેલા છે. 31 ડિસેમ્બર હોય, ગરબાં હોય કે અન્ય ઉત્સવ–તહેવારો હોય ત્યારે એસ.જી.હાઇવે પર અવશ્ય ચક્કાજામ જોવા મળે. રોજ બરોજ સવાર-સાંજ ગમેતે સમયે અત્યંત વ્યસ્ત રહેતા આ માર્ગો પર ટ્રાફિક જામ થઇ જતો હોય છે, અને એમાંય કેટલાક કોમ્પલેક્ષ, કલબો અને ખૂમચા ઓ ની મુલાકાતે આવેલા લોકોના વાહનો મધમાખીના મધપૂડાની જેમ જોવા મળે. જ્યાં નજર નાખો ત્યાં વાહનોની ભરમાર જ જોવા મળી જાય, આવે વખતે તંત્રની ઉદાસીનતા અને નાગરિકોની સ્વયં શિસ્તના અભાવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું કપરું થઇ જાય. 

હાઇકોર્ટ ના કડક વલણને પગલે મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્ર હાલ કડક પગલાં ભરી રહ્યું  છે, હાલ હાઇવે પરના ખૂમચાઓની વધારાની જગ્યાને જમીનદોસ્ત કરી દેવાઇ છે. જ્યારે કલબો, હોટલો, કોમર્શિયલ કોમ્પલેક્ષોની બહાર નો—પાર્કિંગના બોર્ડ લગાડી પોતાની પ્રિમાઇસિસમાંજ વાહન પાર્ક કરવાનો આગ્રહ રખાઇ રહ્યો છે. સમગ્ર હાઇવે પર સૌ કોઇ કાયદાનું પાલન કરવાની મથામણ કરી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં એકલા એસ.જી.હાઇવે જ નહીં પરંતુ પૂર્વ અને પશ્વિમ વિસ્તારના અનેક માર્ગો પર અસામાજિક તત્વો , સ્થાપિત હિતો  દ્વારા માર્ગો પર દબાણો કરવામાં આવ્યા છે, સાથે રહેણાંક વિસ્તારોને વેપાર-ધંધામાં ફેરવી દેવાયા છે. જેના દ્વારા સતત ટ્રાફિકની સમસ્યાતો વધતી જ જાય છે અને રહેણાંકમાં બનેલા કોમર્શિયમાં પાર્કિંગના અભાવે ઠેર ઠેર સમસ્યાઓ ઉપસ્થિત થઇ રહી છે.

વધતો જતા વાહનો-ટ્રાફિક અને પાર્કિંગની વિકરાળ સમસ્યા સ્માર્ટ સિટીનો સૌથી મોટો પ્રશ્ન છે.

અહેવાલ—તસવીર—પ્રજ્ઞેશ વ્યાસ