આ વર્ષથી બાળક NCERTનો અભ્યાસક્રમ ભણશે, તમામ શિક્ષકોને અપાશે તાલીમ

ગાંધીનગર-ગુજરાત સરકાર નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧ થી ૮માં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોનો અમલ કરશે. સૌપ્રથમ ધોરણ ૧ અને ધોરણ ૨માં એનસીઇઆરટીના અભ્યાસક્રમને દાખલ કરવામાં આવશે. હાલ ધોરણ ૧ અને ધોરણ ૨મા અભ્યાસક્રમને સરળ અને રસાળ બનાવવા શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સેતુ રૂપ બનતા પ્રજ્ઞા અભિગમ વર્ષ ૨૦૧૦-૧૧થી અમલમાં છે. એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ પ્રજ્ઞા અભિગમના સાહિત્યને તૈયાર કરી, શિક્ષકોને તાલીમબદ્ધ કરી, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબના પ્રજ્ઞા અભિગમનાં સાહિત્યનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં પ્રાયોગિક ધોરણે શરુ કરેલા ‘પ્રજ્ઞા’ પ્રોજેક્ટને સફળતા મળતા દર વર્ષે તેનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જે અતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં રાજ્યની ૨૩૦૦૦ શાળાઓમાં ધોરણ ૧ અને ૨માં, ૨૨૦૦૦ શાળાઓમાં ધોરણ ૩ અને ૪માં અને ૧૩૦૦ શાળાઓમાં ધોરણ ૫ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞા અભિગમની સફળતાને ધ્યાને લઇ આખા રાજ્યમાં એકસૂત્રતા જળવાય તેમાટે આગામી વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા અભિગમને અમલમાં મૂકવામાં આવશે.

આવનારા નવા સત્રથી ધોરણ ૧ થી ૮મા એનસીઇઆરટીના અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો અમલમાં મુકવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર ધોરણ ૧ અને ૨ માં એનસીઇઆરટીના અભ્યાસક્રમ પ્રમાણેનું નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર કર્યું છે. આ નવા તૈયાર થયેલા પ્રજ્ઞા સાહિત્યના અસરકારક અમલ માટે રાજ્યના ધોરણ ૧ અને ૨ નાં શિક્ષકોને તાલીમબદ્ધ કરી એક સાથે અમલમાં મુકવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ધોરણ ૩ થી ૫માં એનસીઇઆરટીનાપાઠ્યપુસ્તકોનો અમલ કરાશે.

વર્ષ ૨૦૧૦-૧૧ માં ગુજરાતની ૨૫૮ શાળાઓમાં ધોરણ ૧ અને ૨ માં ‘પ્રજ્ઞા’ અભિગમનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞા અભિગમનો વર્ગખંડમાં શિક્ષક અને બાળકો વચ્ચે સમજણનો સેતુ બાંધવાનો હેતુ છે. બ્લેક બોર્ડ ચોક કે ડસ્ટરને બાજુએ મૂકી સામુહિક પ્રવૃત્તિમાં શિક્ષક અને વિદ્યાર્થી જોડાય છે. દર ત્રણ વર્ષે એકવાર રાજ્ય સરકાર દ્વારા યુનિટ દીઠ શિક્ષક આવૃત્તિ, અભ્યાસ કાર્ડ, છાબડી-ગ્રુપ ચાર્ટ અને લેડર જેવું સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સાયુજ્ય સધાય છે. જેથી બાળકોને ભણતરનો ભાર લાગતો નથી અને રમતા રમતા જ્ઞાન મેળવે છે