નર્મદા ડેમમાં પાણી ઘટ્યું, સિંચાઈ માટે માત્ર 2 ટકા જ પાણી વધ્યું

નર્મદાઃ ગુજરાતમાં આ વર્ષે જોઈએ તેટલો સાર્વત્રિક વરસાદ થયો નથી. ક્યાંક જળબંબાકાર તો ક્યાંક કોરુંધાકોર રહ્યું છે. તો આ સિવાય વરસાદ ખેંચાયો પણ છે. ત્યારે હવે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઓછી થઈ રહી છે અને તળીયું દેખાઈ રહ્યું છે.

અત્યારે હાલ ડેમમાં પાણી ઓછું છે અને ડેમમાં પાણીની ક્ષમતાથી માત્ર 2 ટકા જીવંત પાણીનો જથ્થો છે. આ પાણી માત્ર ચારથી પાંચ દીવસ જ ચાલે તેમ છે. અત્યારે હાલ ડેમમાં સીંચાઈ માટે માત્ર 2 ટકા જેટલું જ પાણી રહ્યું છે.

અત્યારે હાલ નર્મદા ડેમમાં ચોમાસે પણ ઉનાળા જેવી સ્થિતી સર્જાઈ છે. ચોમાસાની સિઝનમા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી નહી ભરાતા ચોમાસામાં પણ આકરુ જળસંકટ જણાઇ રહ્યું છે. તેમજ ખેડૂતોને હાલમાં અપાઈ રહેલું સિંચાઈનું પાણી પણ બંધ થઈ જાય તે પ્રકારની સ્થિતી છે.

જો કે આ મામલે સરકારે બાંહેધરી આપતા જણાવ્યું કે કોઈપણ સ્થિતીમાં નાગરીકોને પીવાના પાણીની કોઈ તકલીફ નહી પડે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આ અંગે માહિતી આપી હચી. નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી નર્મદા નદી શરૂ થાય છે જે લગભગ 1200 કિલોમીટર લાંબી છે જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર જેટલા ડેમો બંધાયા છે. ભૂતકાળમાં 100 વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા 28 મિલિયન એકર ફૂટ નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશનો 18 એમએએફ જ્યારે ગુજરાતના હિસ્સામાં 9 એમએએફ જેવું પાણી આવે છે. અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગે ખૂબ ઓછું પાણી આવે છે.

હજી જો રાજ્યમાં અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ પડે તો વર્તમાન સમયમાં સર્જાયેલુ જળ સંકટ ઓછુ થઈ શકે તેમ છે. નર્મદાની સપાટી 110.64 મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી જાતે બંધ થઈ જશે. જો નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો સિંચાઈનું પાણી આપોઆપ ચાલુ રહેશે. સરકાર સિંચાઈનું પાણી બંધ કરતી નથી. વરસાદ નહી પડવાની ગમે તેવી પરિસ્થિતિનો સરકાર સામનો કરશે. તેમજ આગામી 12 મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઉભી થવા દેવાશે નહીં.