નર્મદા ડેમમાં પાણી ખરેખર ઓછું છેઃ રાજ્યના મુખ્ય સચીવ જે એન સિંઘ

અમદાવાદ-રાજ્યમાં ઊનાળાના સમયમાં સિંચાઇનું પાણી હોય તો જ પાક લેવાની સીએમ રુપાણીની અપીલ બાદ જીવાદોરી નર્મદાના નીર કેમ ઓછાં પડ્યાં તે મુદ્દાની ચર્ચા અને તંત્રના પગલાં સમાચારોની સુરખીઓ બની રહ્યાં છે. આજે જ્યાં સીએમ રુપાણી પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટેની પાળ બાંધવા નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાતરુપે બેઠક કરી હતી ત્યાં બીજી તરફ રાજ્યના મુખ્ય સચીવ જે એન સિંઘે નર્મદા ડેમની મુલાકાત લીધી અને જાતનિરીક્ષણ કર્યું હતું.નર્મદામાં પાણીના જથ્થાના સામાન્ય વપરાશ કરતાં વધુ ઉપાડ કરવા માટે 88 મીટર સુધીના ડેડ વોટરનો વપરાશ કરવાની નર્મદા ઓથોરિટી દ્વારા મંજૂરા આપવામાં આવી હતી. ત્યારે જે એન સિંઘે નર્મદા ડેમના સ્થળ નિરીક્ષણ દ્વારા પાણીના જથ્થાનો સાચો ક્યાસ કાઢવાની કોશિશ કરી હતી. જે એન સિંઘ અને તેમના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ બાદ રીપોર્ટ તૈયાર કરશે અને બંને સરકારને જણાવશે.

જોકે માધ્યમો દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં સિંઘે પ્રતિક્રિયા આપી હતી કે ડેમમાં ખરેખર પાણી ઓછું છે.

પાણી ઓછું છે પરંતુ જનતાને કોઇ તકલીફ નહીં પડે. ઇરિગેશન માટે ફાસ્ટ ટનલમાંથી પાણી લેવાશે પરંતુ હાલ સિંચાઇ માટે 600 ક્યૂસેકથી વધુ પાણી છોડી શકાશે નહીં.

ઉનાળો હજુ બારણેટકોરા દઇ રહ્યો છે અને મહાશિવરાત્રિથી શિવ શિવ કરતી ઠંડી જાય અને ઊનાળો છાપો મારે તેવા સંજોગોમાં પીવાનું અને વપરાશનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સરકારને આ વરસે નેજે પાણી ઉતરશે તેવા આસાર વર્તાઇ રહ્યાં છે.