નગીનદાસ સંઘવીઃ શતાયુ સમ્માન સમારોહ…

બાપા એટલે બાપા એટલે બાપા…

આ શબ્દ પૂજ્ય મોરારિબાપુએ લખ્યા છે એવી જાણ થાય એટલે પછી કહેવાની જરૂર ન રહે કે કોને માટે લખ્યા છે.

ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના કટારલેખક, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક અને એ ઉપરાંત જે જે વિશેષણ આપીએ એ ઓછાં પડે એવા નગીનદાસ સંઘવીને બાપુ હંમેશાં બાપા કહીને બોલાવે છે. આ શબ્દો બાપુએ પોતાના લખાણના અંતે એક નિમંત્રણ કાર્ડમાં લખ્યા છે, જે નિમંત્રણ કાર્ડ છે ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવી શતાયુ સમ્માન સમારંભનું.

દેશ-દુનિયાના રાજકીય પ્રવાહ, સામાજિક બદલાવ, ઐતિહાસિક ઘટના, આર્થિક સ્થિતિ સહિત અનેકવિધ વિષયના માત્ર અભ્યાસુ જ નહીં, પરંતુ છેલ્લી એક સદીના જીવંત સાક્ષી રહેલા નગીનદાસ સંઘવી જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મન અને તનથી સ્વસ્થ ને મસ્ત છે. એમની સ્ફૂર્તિ અને સ્ફુરણા બંને હજી અકબંધ છે. એવા આ નગીનદાસ સંઘવીનું શતાયુ સમ્માન ૧૬ જૂન, ૨૦૧૯ના રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે થશે.

નગીનદાસભાઈ માટે અપાર સ્નેહ અને આદર ધરાવતા પૂજ્ય મોરારિબાપુ સ્વાભાવિક રીતે જ એમાં ઉપસ્થિત રહીને બાપાને સમ્માનિત કરશે. આ અવસરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે, જ્યારે ‘નવગુજરાત સમય’ દૈનિકના ચીફ એડિટર, ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ પણ નગીનદાસ સંઘવીના સમગ્ર કાર્ય વિશે વિશેષ વક્તવ્ય આપશે.

‘સોંસરી વાત’ અને ‘તડ ને ફડ’ જેવી કટારથી જાણીતા નગીનદાસ સંઘવીનો ‘ચિત્રલેખા’ સાથે પણ બે દાયકાથી વધારે જૂનો સંબંધ છે. ‘ભારતનું મહાભારત’ કટાર દ્વારા રાજકીય બનાવ, મહત્ત્વની ઘટનાનું એ પારદર્શક, ઊંડું અને તટસ્થ પૃથક્કરણ દર સપ્તાહે કરે છે. સપ્ટેંબર, ૨૦૧૬માં ‘ચિત્રલેખા’એ ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ એમને રાજકોટમાં જ અર્પણ કર્યો હતો. એ સમયે મોરારિબાપુ સહિતના વક્તાઓ-અતિથિઓએ કહ્યું હતું કે બાપાનું ૧૦૦મું વર્ષ અહીં ઊજવીશું… અને એ દિવસ આખરે આવી પહોંચ્યો છે.

પૂજ્ય મોરારિબાપુ પોતાનો જ ભાવ આ સમારંભમાં તો વ્યક્ત કરશે જ, પરંતુ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પણ એમણે નગીનદાસ સંઘવી માટે લખ્યું છેઃ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ આપણા નગીનબાપા… અને પોતાની લાગણીના અંતે લખ્યું છેઃ બાપા એટલે બાપા એટલે બાપા…

નગીનદાસ સંઘવીની કર્મભૂમિ વર્ષો સુધી મુંબઈ રહી, પરંતુ સૌરાષ્ટ્ર સાથે એમનો નાળસંબંધ છે. એમનું શતાયુ સમ્માન કદાચ એટલે જ રાજકોટમાં થવા જઈ રહ્યું છે. આ સમ્માન સમારંભના ભાગ રૂપે નગીનદાસ સંઘવીનાં સમગ્ર લેખનમાંથી ચૂંટણી સામગ્રીના બે ગ્રંથનું વિમોચન પણ થશે. રાજકોટની પ્રકાશન સંસ્થા k Books એ પ્રકાશિત કરેલા આ ગ્રંથ એ દિવસે તદ્દન ટોકન દરે આપવામાં આવશે.

શતાયુ સમ્માન સમિતિના સદસ્ય ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, ‘જન્મભૂમિ’ અખબાર જૂથના સીઈઓ કુંદન વ્યાસ, રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્ય તથા જાણીતા ઉદ્યોગપતિ-ઉદ્યોગકાર જયંતિભાઈ ચાંદ્રાએ આ સમારોહમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંયોજન ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતાએ કર્યું છે.

– અને આ કાર્યક્રમનું સંચાલન સંભાળશે યુવા કવિ પ્રણવ પંડ્યા.

આટલી મોટી વયના જ નહીં, આટલા મોટા ગજાના લેખકનું જ્યારે સમ્માન થવા જઈ રહ્યું છે ત્યારે મનોજ ખંડેરિયાનો પેલો શેર ફરી ફરીને યાદ આવેઃ

પૂછ એને કે જે શતાયુ છે

કેટલું ક્યારે ક્યાં જિવાયું છે…