CM નિર્ણયઃ ઔડા, વુડા, સૂડા, રુડા…8 સત્તામંડળોના અધ્યક્ષ બનશે આ અધિકારીઓ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરોની નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. હાલ બહુધા સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. હવેથી ગુજરાતમાં 8 મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મ્યૂનિસિપલ કમિશનર રહેશે.

જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે આ નિર્ણયમાં અભિપ્રેત છે.

મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર હવેથી અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર  કાર્ય કરશે.

રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તા તંત્રના વડા કમિશનર વચ્ચે સાતત્ય,સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મુખ્યપ્રધાને શહેરી વિકાસ સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે હવે મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંકો કરવાનો નિર્ણય કર્યો છે.