આ વર્ષે શહેર શાળા પ્રવેશોત્સવ માધ્યમિક શાળાઓમાં કરાવવાનું આ છે કારણ…

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વમાં આજે ૨૨ જૂનથી બે દિવસ માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૧૬મી કડીનો શહેરી વિસ્તારોમાં આરંભ થશે.આ વર્ષનો શહેરી ક્ષેત્રનો પ્રવેશોત્સવ 1277 પ્રાથમિક અને 1550 માધ્યમિક શાળાઓમાં યોજાશે. સીએમ રુપાણી ગાંધીનગરની આર. જી. કન્યા વિદ્યાલયથી સવારે ૯ કલાકે આ પ્રવેશોત્સવનો આરંભ કરાવશે. તેઓ આ  શાળામાં350 બાળાઓને ધો-9માં પ્રવેશ અપાવશે.

સરકાર દ્વારા દરેક વિદ્યાર્થી ભણે તે માટે જાગૃતિ ફેલાવવાના કાર્યો કરવામાં આવે છે અને સાથે જ સરકારી સ્કૂલો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા જોતાં અચરજ પામી જવાય તેવી સ્થિતિ છે.મ્યૂનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડની શાળામાં ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આશરે 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9નો આગળનો અભ્યાસ કરવા માટે અન્ય સરકારી કે ખાનગી કોઈપણ શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરતાં જ નથી. આ વર્ષે શહેર શાળા પ્રવેશોત્સવ માધ્યમિક શાળાઓમાં કરાવવાનું આ છે કારણ...

સ્કૂલ બોર્ડના સત્તાધીશો દ્વારા પ્રતિ વર્ષની જેમ .રર અને ર૩ જૂન એમ બે દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં રાબેતા મુજબ શાળા પ્રવેશોત્સવ હેઠળ સેંકડો ભૂલકાંઓએ ધોરણ એકમાં પ્રવેશ લીધો તેવાં ઢોલ નગારાં વગાડાશે. શહેરના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો પણ પરંપરા મુજબ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. જો કે આ વખતે પ્રથમ વાર શાળા પ્રવેશોત્સવ આંગણવાડી કે મ્યૂનિસિપલ શાળાને બદલે સરકારી અને ખાનગી માધ્યમિક શાળામાં યોજાશે.ફાઇલ ચિત્ર

ત્યારે આ વર્ષે આંગણવાડીનાં વિદ્યાર્થીઓ, ધોરણ એકનાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ તથા ધોરણ નવનાં વિદ્યાર્થીઓનો સંયુક્ત પ્રવેશોત્સવ સરકારી તથા ગ્રાન્ટ મેળવતી માધ્યમિક શાળામાં પ્રથવાર પ્રવેશોત્સવ યોજનાર હોઇ સ્કૂલ બોર્ડના શાસકો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. આ માટે સરકારી અને ગ્રાન્ટ મેળવતી ખાનગી શાળા મળીને કુલ ર૦૦થી વધુ શાળાની યાદી તૈયાર કરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન માધ્યમિક શાળામાં લઇ જવાનું મુખ્ય કારણ ધોરણ ૮ના વિદ્યાર્થીઓમાં ર૦ ટકા જેટલો ઊંચો ડ્રોપઆઉટ રેશિયો છે.

મ્યુનિસિપલ શાળામાં ધોરણ ૧થી ધોરણ ૮ સુધી જ અભ્યાસની સુવિધા હોઇ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી માંડ ૮૦ ટકા વિદ્યાર્થીઓ આગળ ધોરણ ૯માં પ્રવેશ મેળવે છે. ગત તા.૩૧ ઓગસ્ટ ર૦૧૭ની સ્થિતિના મ્યુનિસિપલ શાળાના ધોરણ ૮માં ગુજરાતી માધ્યમના ૧૧૮૧પ, હિંદી માધ્યમના ર,૭૮ર ઉર્દૂ માધ્યમના ર,૦૭ર અને અન્ય માધ્યમના મળીને કુલ ૧૬,૯૭૬ વિદ્યાર્થીઓ ભણતાં હતાં.જે પૈકી ૩,૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર અધૂરું છોડ્યું હતું. આ બહુ ગંભીર બાબત હોઇ છેક ગાંધીનગર સ્તરેથી આ વખતે પ્રવેશોત્સવ માધ્યમિક શાળામાં યોજીને સરકારી શાળાનાં વિદ્યાર્થી ધોરણ આઠ બાદ પણ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે દિશામાં આયોજન ઘડી કાઢાયું છે.