પશુપંખીઓની સારવાર માટે 5000થી વધુ સ્વયંસેવકો તહેનાત

  • ગુજરાતમાં ત્વરિત સારવાર માટે ૪૬ એમ્બ્યૂલન્સ, ૨૭૦થી વધુ એનજીઓ, ૬૬૧ બચાવ ટીમ, કપાયેલા દોરા દૂર કરવા ૫૭૬ ટીમ, ૫૦૦ પશુ ચિકિત્સકો અને ૧૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો સક્રિય રહેશે
  • ચાઇનીઝ માંજાના ઉપયોગ વિરૂદ્ધ તંત્રની સર્તકતા રહેશે

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ઉતરાયણ પર્વે પતંગના દોરાને કારણે પક્ષીઓને થતી ઇજાઓથી બચાવવા કરૂણાા અભિયાન દ્વારા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારું કરૂણા અભિયાન દ્વારા પ્રત્યેક જીવ પ્રત્યે સરકારની જવાબદારી અને જીવદયાની એક મોટી મુહિમ છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારમાં જીવ હિંસા ન થાય એની તકેદારી સરકાર રાખી રહી છે. ચાઇનીઝ દોરાના ઉપયોગ વિરુદ્ધ સરકાર સર્તક છે. પંખીઓને દોરીઓના કારણે નિર્દોષ પક્ષીઓને થતું નુકસાન રોકવાનો સરકારે પ્રયાસ કર્યો છે.વિજય રૂપાણીએ અમદાવાદમાં વન વિભાગના એનિમલ-બર્ડ હેલ્થ રેસ્કયુ કેર સેન્ટરની નિરીક્ષણ મૂલાકાત લઇને કરૂણા અભિયાન હેઠળ તંત્રની સજ્જતાની બારીકાઇથી વિગતો મેળવી હતી.

મુખ્યપ્રધાને કહ્યું હતું કે મકરસંક્રાંતિ-પતંગ ઉત્સવમાં દોરીઓને કારણે પશુ-પંખીઓને અને ઘણીવાર માનવીઓને પણ ઇજા થાય છે. ગત મકરસંક્રાંતિમાં કરૂણા અભિયાનના કારણે ૨૩,૦૦૦થી પણ વધુ પંખીના જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ વખતે અભિયાનને વધુ વ્યાપક બનાવવા રાજ્ય સરકારે સુદૃઢ આયોજન કર્યું છે, જેમાં ૫,૦૦૦થી વધુ વનકર્મી સ્ટાફ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો સાથે મળી પક્ષી બચાવવાનું સેવાકાર્ય કરશે.પંખીઓ કે પશુઓની ઇજા માટે ૧૧ શહેરમાં ૧૯૬૨ એનીમલ હેલ્પ લાઇન એમ્બ્યુલન્સ તરત સેવા આપે છે અને દરેક સ્થળે સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર્સ, સહિતનો સ્ટાફ હાજર છે. દરેક કેન્દ્રમાં પ્રિ-ઓપરેટ, પોસ્ટ-ઓપરેટ સિસ્ટમ અને આઇસીયુ સહિતની સારવાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. નિર્દોષ પંખીઓ અને અબોલ પશુ જીવોને સારામાં સારી સારવાર મળે એ માટેનું આયોજન કરાયું છે. એનજીઓના ૨૪૪ સારવાર કેન્દ્રો છે. પશુપાલનની ૪૬ જેટલી એમ્બ્યુલન્સ પણ ઉપયોગમાં લેવાશે. ૫૦૦ જેટલા પશુ ચિકીત્સકો, ૭૮૧ દવાખાનામાં ઘાયલ પશુ-પંખીઓની સારવાર કરશે. ૨૭૦થી વધુ એનજીઓ આ અભિયાનમાં ભાગ લેવાની છે. આમ કુલ મળીને ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો-દવાખાના કાર્યરત રહેશે. ૬૬૧ બચાવ ટીમ અને વૃક્ષો-થાંભલા પર લટકતા કપાયેલા દોરા દૂર કરવા ૫૭૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે.આ વર્ષે યોજાનારા કરૂણા અભિયાન અન્વયે દરેક તાલુકામથકે સવારે ૭થી સાંજે ૬ દરમિયાન કંટ્રોલ રૂમ કાર્યરત રહેવાના છે.