ક્યારેય થાય કે ક્યાં જવું? તો તમારા બાપનું ઘર સમજી તલગાજરડા આવી જજો: મોરારિબાપુ

તલગાજરડાઃ ચિત્રકુટધામ ખાતે દેશના વિવિધ શહેરોમાંથી આવેલી ગણિકાને સહાયની રકમના ચેક મોરારિબાપુના હસ્તે વિતરિત કરાયા હતા. ડીસેમ્બરમાં અયોધ્યામાં યોજાયેલી કથામાં જે ધનરાશિ એકત્ર થઈ હતી એનું આજે વિતરણ કરાયું હતું. ઉપસ્થિત સમુદાય અને જેમના ઉત્કર્ષ માટે કથા યોજાઈ હતી એ ગણિકાઓને સંબોધન કરતાં મોરારિબાપુએ કહ્યું કે કુંભની કથા તો 19મીથી શરૂ થશે. પણ મારું કુંભસ્નાન આજે થઈ ગયું.

મોરારિબાપુએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે કોઈ પણ કન્યા એ સત્ય છે. ભલે આ દીકરીઓનો તિરસ્કાર સમાજે કર્યો પણ એમણે ય કોઈને પ્રેમ કર્યો હશે. એટલે એ પ્રેમ. અને આ બધામાં જે માતા, વૃદ્ધા છે એ કરુણા. એટલે એ સત્ય,પ્રેમ અને કરુણાની ત્રિવેણીમાં મેં આજે સ્નાન કર્યું છે. માનસ ગણિકા કથા એ કોઈ પરમ તત્વની ઈચ્છા અનુસાર વિકલ્પ વગરનો સંકલ્પ હતો.

આજે હું માનવજાતના પ્રતિનિધિ તરીકે કહું છું કે આ મારું કુંભસ્નાન છે. ગણિકાઓને સજળ નેત્રે સંબોધતાં બાપુએ કહ્યું કે તમને ક્યારે ય એમ થાય કે અમારે ક્યાં જવું? તો તલગાજરડા તમારા બાપનું ઘર છે. તમે આવી જજો. અને તમારી દીકરીના જો વિવાહ નક્કી થાય તો તલગાજરડામાં દર કારતક માસમાં અમે લગ્ન કરાવીએ છીએ એમાં એ દીકરીને પણ પરણાવી દેશું.

ચિત્રકુટધામમાં અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જેમને સમાજનો ભદ્ર વર્ગ સ્વીકારતો નથી એ બહેનોનું પિયરમાં દીકરીનું થાય એવું સ્વાગત થયું હતું. શરૂઆતમાં ગણિકાઓએ ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ પ્રાર્થના ગાઈ હતી. બાપુએ લખનૌથી આવેલી એક ગણિકાને પુત્રીનું સંબોધન કરી એમના હાથની ચા પીધી ત્યારે સૌની આંખમાં પાણી આવી ગયાં હતાં.

અયોધ્યામાં ડીસેમ્બર માસમાં યોજાયેલી ‘માનસ ગણિકા’ કથામાં એકત્ર થયેલી ધનરાશિ આજે તા.16મી જાન્યુઆરીએ દેશના વિવિધ શહેરમાંથી આવેલી ગણિકા બહેનોની ઉપસ્થિતિમાં એમના માટે કામ કરતી સંસ્થાઓને અર્પણ કરાઈ હતી. ચિત્રકુટધામ તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામા,વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ વિધિ સંપન્ન કરાઈ હતી. વરિષ્ટ કટાર લેખક નગીનદાસ સંઘવી, લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા, કવિ માધવ રામાનુજ, ડો.નીતિન વડગામા,જય વસાવડા સહિતના લોકો આ સાદગી પૂર્ણ છતાં ગરિમાભર્યા અને પાવન અને સંવેદનાભર્યા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગ્વાલિયર,કાનપુર,રાજકોટ,મુંબઈથી ગણિકાઓ ઉપસ્થિત રહી હતી. ગણિકા કલ્યાણ ફંડમાં રૂ.11 લાખ બાપુએ પોતે અર્પણ કર્યા પછી સતત દાનનો પ્રવાહ વહ્યો. કુલ 6 કરોડ ,92 લાખ,68,695 રૂપિયા એકત્ર થયા હતા. ગણિકા કલ્યાણ ફંડમાં અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓને આ રકમ વહેંચી દેવાઈ છે. મુંબઈની 3, કોલકતાની 2, દિલ્હીની 2, સૂરતની 2, અમદાવાદની 2 અને રાજકોટ, વડોદરા, ઉત્તર પ્રદેશના કુંનાવ અને ગ્વાલિયરની સ્વૈચ્છિક સંસ્થાને આ રકમ ફાળવી દેવાઈ હતી.

મોરારિબાપુએ ચેક અર્પણ કરી આ રકમ અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિને ફાળવી હતી. ગોડ માય સાઇલેન્ટ પાર્ટનરના રમેશ સચદેવ, યુ એસ એના નરેશ પટેલ તથા ભારતમાં જે લોકો દાન દેવા માગતા હોય એમની વ્યવસ્થા અતુલ ઓટોના જયંતીભાઈ ચાન્દ્રાએ સંભાળી હતી. અલગ અલગ ક્ષેત્રના લોકોએ બાપુની સાથે રહી આ રકમ અર્પણ કરી હતી.

અહેવાલ-તસવીરઃ જ્વંલત છાયા, રાજકોટ