પૂણેમાં નોંધાયો પોલિસ કેસ, MLA મેવાણી મુશ્કેલીમાં મૂકાયાં

અમદાવાદ– દલિત નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. લેખિકા શૈફાલી વૈદ્યે મહારાષ્ટ્રના પૂનામાં મેવાણી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.

મળતી વિગત મુજબ જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને આર્ટ ઓફ લિવિંગ ગુરુ શ્રી શ્રી રવિશંકર તેમ જ એક મહિલાનો મિક્સ કરેલ ઇમેજ શેર કરી હતી. જેમાં શૈફાલી વૈદ્ય નજરે ચડ્યાં હતાં. લેખિકાની ફરિયાદ પરથી પૂનાના પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણી સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 500-ડેફેમેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (સી) મુજબ ગુનો નોંધાયો છે.

મેવાણીએ તે ફોટો શેર કરતાં ‘ઓ માય ગોડ ફિલ્મ’ સાથે સરખાણી કરી કટાક્ષ કર્યો હતો. જો કે, જિગ્નેશ મેવાણીને  ભૂલ સમજાયાં બાદ ટ્વીટ ડિલીટ કરી નાંખ્યુ હતું અને લખ્યું હતું કે, મને જાણકારી મળી છે કે, મેં ખોટો ફોટો ટ્વીટ કર્યો છે. સત્યતા તપાસ્યા વિના ફોટો પોસ્ટ કરવા બદલ માફી માગુ છું. હવે પછી આ બાબતે હું કાળજી રાખીશ.