32 વર્ષે વડોદરામાં અમિતાભ, રાજવી પરિવારે એનાયત કર્યુ આ સન્માન…

વડોદરાઃ મિલેનિયમ સ્ટાર, મહાનાયક, બિગબી જેવાં હુલામણાં નામોથી વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને આજે વડોદરાના રાજવી પરિવાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. BMAના આ પ્રસંગે વડોદરાના આંગણે મહેમાન બનેલાં અમિતાભ બચ્ચને આનંદ અને સન્માનની લાગણી વ્યક્ત કરતાં આભાર માન્યો હતો.તસવીર સૌજન્યઃ બરોડા મીરર
એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવા અમિતાભ બચ્ચન આજે સવારે વડોદરા પહોંચ્યાં હતાં. જ્યાં ગાયકવાડ પરિવારે અમિતાભ બચ્ચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાજવી પરિવાર દ્વારા અમિતાભ બચ્ચનને સયજીરાવ ગાયકવાડના નામે ‘સયાજી રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં હતો. નવલખી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ સ્વીકાર બાદ અમિતાભ બચ્ચને શહેરીજનોનેને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે  ‘વડોદરાના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને આવી રીતે આમંત્રિત કરતા રહો અને હું આવી રીતે તમારી સમક્ષ આવતો રહીશ. મને સન્માનિત કરવા માટે ખૂબ ખૂબ જ આભાર. આ એવોર્ડ રતન તાતા જેવા મહાન લોકોના નામ’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં એવા લોકો આવ્યા જેનાથી હું પ્રેરિત થયો રહ્યો ખાસ કરીને મારા માતા પિતા. એવા લોકોથી પ્રભાવિત થઇને મેં મારું જીવન આગળ વધાર્યું હતું. ભારત છોડો આંદોલન સમયની વાતને પણ અમિતાભ બચ્ચને વર્ણન કર્યું હતું. પિતાજી સાથે સમય વિતાવવો એ જ એક રીતે શિક્ષણ હતું. પિતાજીનું લેખન વાંચીને મને ઘણું શીખવા મળ્યું હતું.
હરિવંશરાય સાથેના એક સંસ્મરણને યાદ કરતાં અમિતાભે જણાવ્યું કે અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી ન મળતાં પરેશાન બચ્ચનને પોતાના પિતાજી ઉપર ગુસ્સો આવ્યો હતો. બચ્ચને પોતાના પિતાજીને પૂછ્યું હતું કે, મને પેદા કેમ કર્યો. ત્યારે બીજા દિવસે બચ્ચનના પિતાએ એક કવિતા લખી હતી. જેણે બચ્ચને વડોદરાના લોકો સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત બચ્ચને પોતાના જીવનના નાના મોટા કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. અંતમાં અમિતાભ બચ્ચને અગ્નિપથ કવિતાવાચન કરીને પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.

વડોદરાના મહેમાન બનેલાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પેલેસમાં રોકાણ કર્યું હતું. રાજવી પરિવારે અમિતાભનું સ્વાગત કર્યું હતું. બિગબીએ લક્ષ્મીવિલાસ પેલેસની ભવ્યતાને નિહાળી હતી અને પેલેસ મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી હતી. 32 વર્ષ બાદ અમિતાભ બચ્ચન વડોદરાના મહેમાન બન્યા હતા. બે કલાક વડોદરામાં રોકાણ કર્યા બાદ બિગબી મુંબઇ પરત ફર્યાં હતાં.