મેરિટાઇમ યુનિવર્સિટી જૂનથી બનશે કાર્યરત, બે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો…

ગાંધીનગર: ભારતમાં મેરીટાઈમ ક્ષેત્રે વાણિજ્યક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત થઈ શકે અને ભારતીય તેમજ વૈશ્વિક મેરીટાઈમ ક્ષેત્રે વાણિજ્યક તેમજ તકનીકી કૌશલ્ય પૂરું પાડી શકાય તેને ધ્યાનમાં લઈ ગાંધીનગર ખાતે મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ દ્વારા ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીની વેબસાઈટ લોન્ચ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ મેરીટાઈમ યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી સ્કૂલ ઑફ મેરીટાઇમ લૉ,પોલિસી એન્ડ એડમિનીસ્ટ્રેશનની શરુઆત કરશે અને આ સ્કૂલ દ્વારા બે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો જેવા કે એલ.એલ.એમ. ઈન મેરીટાઇમ લૉ અને એલ.એલ.એમ. ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ શરુ કરવામાં આવશે.

ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના એ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું સાહસ છે અને તેમનો મુખ્ય હેતુ ભારતીય મેરીટાઇમ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા અને મેરીટાઈમ ક્ષેત્રમાં ઉદ્ભવેલ કૌશલ્યના તફાવતને સરભર કરવાનો છે. ભારત સરકાર દ્વારા પણ મેરીટાઈમ ક્ષેત્રે બંદરીય વિકાસ માટે સક્રિય પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે, મેરીટાઈમ સેવાઓની વાત કરવામાં આવે ત્યારે ભારત આ પ્રકારની સેવાઓ સંપૂર્ણપણે અન્ય દેશોમાંથી આયાત કરે છે. અત્યારે ભારત દ્વારા ફક્ત વૈશ્વિક સ્તરના બંદરો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને દેશમાં દરિયાઇ શિક્ષણ માટે ૧૩૦ થી વધુ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જે સંસ્થાઓ પૈકીની ૯૦% થી વધુ સંસ્થાઓ તકનીકી શિક્ષણ આપવાના ધ્યેય પર કેન્દ્રિત છે. જેના પરિણામ સ્વરૂપે,મેરીટાઈમ ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી એવી વાણિજ્યક શિક્ષણ પર અન્ય મેરીટાઈમ ક્ષેત્રે વિકસીત દેશોની સાપેક્ષ ઘણું ઓછું ધ્યાન કેન્દ્રીત થયુ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ફક્ત વાણિજ્યક ક્ષેત્રે કૌશલ્ય પ્રદાન કરતા અભ્યાસક્રમો જેવા કે, મેરીટાઈમ લૉ, શીપીંગ ફાઈનાન્સ એન્ડ ઈકોનોમિક્સ, મેરીટાઈમ મેનેજમેન્ટ, લોજીસ્ટીક્સ શીપ બ્રોકીંગ, શીપ ફાઈનાન્સ, શીપ મેનેજમેન્ટ વગેરે જેવા અભ્યાસક્રમો શરુ કરવામાં આવશે અને એક્ઝિક્યુટીવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઈ.ડી.પી) અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમ.ડી.પી) જેવા ટુંકાગાળાના પ્રોગ્રામોનો પણ પ્રથમ તબક્કામાં સમાવેશ થશે. બીજો તબક્કો તકનીકી શિક્ષણ ઉપર કેન્દ્રીત રહેશે. જેમાં, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક નામી સંસ્થાઓના સહયોગથી વ્યવસાયિક માનવબળ માટે પણ ઈ.ડી.પી અને એમ.ડી.પી જેવા ટૂંકાગાળાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી તેમનું સ્વાયત કેમ્પસ નિર્માણ ન પામે ત્યાં સુધી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે કાર્યરત રહેશે. યુનિવર્સીટીના કેમ્પસ નિર્માણ માટે નોલેજ કોરીડોર, ગાંધીનગર ખાતે જમીનના સ્થળનું આખરીકરણ કરવાની કાર્યવાહી પ્રગતીમાં છે.