અડાલજની વાવમાં સર્જાશે સંગીત અને સ્મારકનો જાદૂ, સિદ્ધહસ્ત કલાકારો દ્વારા પ્રસ્તુતિ

અમદાવાદ: સંગીત સમારોહનો ઉપયોગ લોકો સમક્ષ સ્મારકોમાં  રજૂ કરવાની પરંપરા ચાલુ રાખીને બિરવા કુરેશીની સંસ્થા 25 નવેમ્બરના રોજ અડાલજની વાવ ખાતે વર્લ્ડ હેરિટેજ વીક 2018 પ્રસંગે આઠમા વોટર ફેસ્ટિવલની  રજૂઆત કરી રહી છે. જે સમારંભની ખૂબજ પ્રતીક્ષા થઈ રહી છે તેવા આ સમારંભમાં સામેલ થનાર કલાકારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.  બિરવા કુરેશી પોતે ભરત નાટ્યમ  અને લોકનૃત્યોનાં કલાકાર છે.આઠમા વોટર ફેસ્ટીવલ પ્રસંગે પ્રસિધ્ધ કલાકારો વિવિધ સ્મારકોના સાનિધ્યમાં કાર્યક્રમો રજૂ કરશે.  સ્વ. ઉસ્તાદ અલ્લારખાના પુત્ર અને પ્રસિધ્ધ તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી તેમના તબલાના તાલે લોકોને મંત્રમુગ્ધ કરી મુકશે. પ્રસિધ્ધ મ્યુઝિક કમ્પોઝર અને ભારતના લોકપ્રિય બેન્ડ ઈન્ડુસ ક્રીડના સભ્ય ઝુબીન બાલાપોરીયા સંગીતના ચાહકોને તેમના કી બોર્ડના અજોડ સંગીત વડે પ્રસન્ન કરી દેશે. આ સમારંભમાં જે અન્ય ઉચ્ચ સ્તરના કલાકારો સામેલ થઈ રહ્યા છે તેમાં  પ્રસિધ્ધ ગીટારીસ્ટ/ કમ્પોઝર સંજય દિવેચા અને  સીકર ઘરાનાના પ્રસિધ્ધ સારંગીવાદક દિલશાદ ખાનનો સમાવેશ થાય છે. દિલશાદખાન બોલિવુડના પ્રસિધ્ધ સારંગી વાદક છે અને 500થી વધુ ફિલ્મોમાં સારંગીવાદન રજૂ કરી ચૂક્યા છે.

ઉસ્તાદ ફઝલ કુરેશી

ગીટારના ઉત્તમ કલાકાર શેલ્ડન ડીસિલ્વા શ્રોતાઓને ગીટારના ક્લાસીકલ પીસ રજૂ કરીને મંત્રમુગ્ધ કરી મૂકશે,  દેશના અજોડ ડ્રમર્સમાં સ્થાન  ધરાવતા જ્યારે ડ્રમર અમર કુમાર પણ તેમના સંગીતનો જાદૂ રજૂ કરવા સજ્જ છે.  દર્શકોને અનેક જાણીતા સંગીતકારો સાથે ઢોલક બજાવી ચૂકેલા  પ્રસિધ્ધ ઢોલક વાદક નવિન શર્માની કલાનો પણ લાભ મળશે. શ્રી શર્મા જાઝ, રોક, પોપ, ફ્યુઝન ની સાથે સાથે ગઝલ અને ભજનોમાં પણ પોતાની કલા રજૂ કરી ચૂક્યા છે.

શ્રોતાઓ સમક્ષ પોતાની બહૂમુખી કલા વડે સંગીતના એક સંવાદી વાતાવરણની રજૂઆત કરીને લોક સંગીતના કલાકાર સુલટે ખાન પોતાનુ કૌશલ્ય રજૂ કરશે. કુલટે ખાન ઘણા જાણીતા કલાકારો સાથે સંગત આપી ચૂક્યા છે. તે પરંપરાગત રાજસ્થાની સંગીતની સાથે સાથે સૂફી સંગીત રજૂ કરવામાં પણ મોખરે રહ્યા છે. એકંદરે વોટર ફેસ્ટીવલમાં અડાલજની વાવ ખાતે  સંગીતનો અનોખો માહોલ સર્જાશે અને દર્શકોને ઉત્તમ સંગીત માણવાનો લ્હાવો મળશે.યુનેસ્કો એ જાહેર કરેલા વર્લડ હેરિટેડ વીક પ્રસંગે ક્રાફટ ઓફ આર્ટના ઉપક્રમે સરખેજના રોજા પાસે આ સંગીત સમારોહની છેક 2008માં શરૂઆત કરવામાં આવી હતી. સંગીત અને સ્મારકનો આ સમન્વય પ્રસિધ્ધ સ્થપતિઓ  અને સંગીત ચાહકોમાં એક સરખુ આકર્ષણ ધરાવે છે. આ કાર્યક્રમ મારફતે ચાહકો  મનભાવન સંગીત અને ઐતિહાસિક સ્મારકના સૌંદર્યને માણે છે..