લોકરક્ષક પરીક્ષા: નવી તારીખ જાહેર, બોર્ડ દ્વારા નવા કોલ લેટર ટૂંક સમયમાં

ગાંધીનગર- લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડને પગલે રદ કરાયેલી પરીક્ષા હવે આગામી 6 જાન્યુઆરી 2019ના રોજ લેવાશે. ગત ર ડિસેમ્બર-ર૦૧૮ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના ૮.૭પ લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે – ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કર્યું છે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬/૧/ર૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

રાજ્ય સરકારે આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી તા.૬/૧/ર૦૧૯ના યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે.