લંડન ઝૂ સાથે સમજૂતીરુપે જૂનાગઢ ઝૂને નવા મહેમાનો મળ્યાં

 જૂનાગઢ- વર્ષ ૨૦૧૬માં જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયથી એશિયન સિંહની એક જોડી ZSL લંડન પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવી હતી. અને તેના બદલામાં લંડનના પ્રાણીસંગ્રહાલય તરફથી ચિત્તાની એક જોડી, બે લીમર પ્રાણી અને ૨ ઝીબ્રા ગુજરાત મોકલવામાં આવ્યા હતાં.જૂનાગઢના જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે પહેલીવાર સક્કરબાગ ઝૂમાં ઝીબ્રા અને લીમર જોવા મળશે. રાજયના કોઈ પણ પ્રાણીસંગ્રહાલયમાં આ પ્રાણીઓ વર્તમાનમાં નથી. આ મહિનાના અંત સુધીમાં આ પ્રાણીઓ આવી જશે અને લગભગ ૩૦ દિવસ પછી લોકો તેમને નિહાળી શકશે. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એ.પી.સિંહના જણાવ્યાનુસાર ડિસેમ્બર ૨૦૧૬માં અમલ અને તોરલ નામની સિંહની એક જોડી લંડન પ્રાણીસંગ્રહાલય મોકલી હતી. તેના બદલામાં જૂનાગઢ ઝૂને આ બે પ્રાણીઓ મળવાના છે.

પ્રાણીસંગ્રહાલયમાં પહેલીવાર ઝીબ્રા અને લીનર પ્રાણી જોવા મળશે. ચીત્તા પહેલાં હતાં, પરંતુ અત્યારે માત્ર એક જ જીવિત છે. સિંહોની ઈનબ્રીડિંગ જળવાઈ રહે તે માટે બે સિંહોને લંડન મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહેલાથી ૩ એશિયન સિંહ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં ZSL અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સિંહોના સંરક્ષણ માટે એક મેમોરેન્ડમ સાઈન કરવામાં આવ્યુ હતું. ૨૦૧૫માં સિંહોના સંરક્ષણ માટે ZSL તરફથી ગુજરાતને ૧,૦૦,૦૦૦ પાઉન્ડ ડોનેટ પણ કરવામાં આવ્યાં હતાં.