કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ભાજપ કોંગ્રસમાં સસ્પેન્સ યથાવત

અમદાવાદઃ લોકસભા 2019ની ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ માહોલ જામ્યો છે. પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. તો જાહેર થયેલા ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરીને પ્રચારના કાર્યમાં લાગી ગયા છે. આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપે પોતાની 25 લોકસભા બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને માત્ર એક સીટ પર ઉમેદવાર જાહેર થવાના બાકી છે. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ હજી કેટલીક સીટોના ઉમેદવારોને લઈને આખરી નિર્ણય લેવાયો નથી. આજે સાંજ સુધીમાં બંન્ને પક્ષના બાકી રહેલા તમામ ઉમેદવારો જાહેર થઈ જાય તેવી શક્યતાઓ છે.

ભાજપની જો વાત કરવામાં આવે તો, ભાજપ ગુજરાતની 26 લોકસભા સીટો પૈકી 25 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ હજી અમદાવાદ પૂર્વની બેઠકને લઈને ભાજપ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આજે સાંજ સુધીમાં અમદાવાદ પૂર્વ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે.

દર્શના જરદોશ

ભાજપે મહેસાણા અને સુરતના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મહેસાણા બેઠક પરથી શારદા પટેલ અને સુરત બેઠક પરથી દર્શના જરદોશના નામની જાહેરાત કરવામાં આવી છે. દર્શના બહેન સુરતના સીટીંગ સાંસદ છે જ્યારે મહેસાણાથી લડતા શારદા બહેન પટેલ ગુજરાત ભાજપની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા સ્વ. અનિલ પટેલના પત્ની છે.

કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસે અમરેલી, ભરુચ અને ભાવનગર સહિત અમુક બેઠક માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે પરંતુ અમુક બેઠક પર હજી સત્તાવાર જાહેરાત બાકી છે, ભરુચ બેઠક પર અહેમદ પટેલને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ હતી પરંતુ છેલ્લી ઘડીએ તે મામલે નિર્ણય બદલી નાંખવામાં આવ્યો છે.ભાવનગર બેઠક માટે કોંગ્રેસ છેલ્લી ઘડીએ કોઈ મહિલા ઉમેદવારની શોધમાં છે. સુરેન્દ્રનગર માટે સોમાભાઈ પટેલ, જામનગર માટે મુળૂ કંડારિયા અને સુરત માટે મૂળ ભાવનગરના એવા અશોક અધેવાળાના નામની જાહેરાત થઈ ચૂકી છે.

કોંગ્રેસની અમરેલી બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે જ કસોકસની સ્પર્ધા જામતા આખરે, અસંતોષ ડામવા માટે કોંગ્રેસે અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી છે. પરેશ ધાનાણીએ આજે જાહેર કરવામાં આવેલા સમય કરતા વહેલા ફોર્મ ભરી દીધું છે.

ભાજપ અમદાવાદ પૂર્વ માટે કોનું નામ જાહેર કરે છે, તેના પર બધાની નજર છે. કોંગ્રેસે આ બેઠક માટે ડો. ગીતાબહેન પટેલના નામની જાહેરાત કરી દીધી છે.