ઝડપી નિકાલ લાવવા મોડાસામાં લેબર કોર્ટ ખુલશે ખરી પણ…

ગાંધીનગર- રાજ્યમાં ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં ચાલતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકૉર્ટના પરામર્શમાં આગામી ૧૯ નવેમ્બર-૨૦૧૮થી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દર મહિનાના ત્રીજા સોમવારથી એક અઠવાડિયા માટે લેબર કૉર્ટ કાર્યરત કરવામાં આવશે.

રાજ્ય કાયદા પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, મોડાસા ખાતે આ લેબર કોર્ટ ઉપલબ્ધ થતાં કામદારોને ઘરઆંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે. તેમજ જે કામદારોને કામ કરતા શારીરિક ઈજા પહોંચી હોય, તેઓને વળતર માટે દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે અને ઘર આંગણે તેઓને ઝડપી વળતર મળી શકશે.

ફાઈલ તસવીર

ઉલ્લેખનીય છે કે, અગાઉ અરવલ્લી જિલ્લાના ભિલોડા, માલપુર, મેઘરજ, મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના  કામદારોને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સુધી ન્યાય મેળવવા જવું પડતું હતું જે આ કૉર્ટ કાર્યરત થવાના પરિણામે હવે કામદારોને ઘર આંગણે જ ન્યાય મળી રહેતાં તેમની મુસાફરીના સમયમાં અને નાણાંકીય ખર્ચમાં બચત થશે તેમજ તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.  આ ઉપરાંત નવી અદાલત કાર્યરત થતા  કોર્ટમાં જે કેસો પડતર છે તેના નિકાલમાં પણ ઝડપ આવશે.

રાજય સરકારે હાલમાં અમદાવાદ, ભાવનગર, નડિયાદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે એક એક-એમ કુલ ૮ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતોની સ્થાપના કરી છે. આ  ઉપરાંત, રાજયના અમદાવાદ, અમરેલી, આણંદ, ભરુચ, ભાવનગર, કચ્છ-ભૂજ, દાહોદ, પંચમહાલ- ગોધરા, સાબરકાંઠા-હિંમતનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, ખેડા-નડિયાદ, નવસારી, બનાસકાંઠા-પાલનપુર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ અને પોરબંદર-એમ કુલ ૨૨ જિલ્લાઓમાં મજુર અદાલતો કાર્યરત છે.